<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

બ્રેક ફેઈલ થતાં બેકાબૂ બનેલા કન્‍ટેનરને કારણે ભયાનક અકસ્‍માતઃ ૮નાં મોત

કન્‍ટેનર અને ટ્રક વચ્‍ચે ફસાયેલી કારનો કચ્‍ચરઘાણઃ બે વાહન સળગી ઊઠતાં ૧૦ જખમી

 

પુણે તા.૧૪: પુણેના નવલે બ્રિજ ખાતેના સેલ્‍ફી પોઈન્‍ટ નજીક થયેલા ભયાનક અકસ્‍માતમાં ૮ જણે જીવ ગુમાવ્‍યા હતા. સાતારાથી મુંબઈની દિશામાં આવી રહેલું કન્‍ટેનર બ્રેક ફેઈલ થવાથી છથી સાત વાહન સાથે ટકરાયા પછી ટ્રક સાથે ભટકાયું હતું, જેમાં કન્‍ટેનર અને ટ્રકની વચ્‍ચે ફસાઈ ગયેલી એક કારનો કચ્‍ચર ઘાણ વળી ગયો હતો. વાહનોની જોરદાર અથડામણને કારણે ફાટી નીકળેલી આગમાં બે વાહન સળગી ગયાં હતાં, જેમાં ૧૦ જણ ઘવાયા હોવાનું જાણવા મળ્‍યું હતું.

પુણે શહેરના સિહગડ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ ઈન્‍સ્‍પેક્‍ટર દિલીપ દાઈગડેએ ‘મુંબઈ સમાચાર'ને જણાવ્‍યું હતું કે ગુરુવારની સાંજે ૫.૩૦ વાગ્‍યાની આસપાસ બનેલી ઘટનામાં કારમાં હાજર ચાર અને ટ્રકમાંના બે લોકોનાં મૃત્‍યુ થયાં હતાં. જખમીઓને સારવાર માટે હોસ્‍પિટલમાં લઈ જવાયા હતા. રાત સુધી મૃતકોની ઓળખ થઈ શકી નહોતી.

પોલીસના જણાવ્‍યા મુજબ ઘટના મુંબઈ-બેંગલુરુ હાઈવે પર પુણે શહેરમાં કાત્રજ-દેહુ રોડ બાયપાસ નજીક નવલે બ્રિજથી થોડે અંતરે બની હતી. કહેવાય છે કે સાતારાથી મુંબઈ તરફ જઈ રહેલા મલ્‍ટિ-ટાયર કન્‍ટેનરનું બ્રેક ફેઈલ થયું હતું, જેને કારણે કન્‍ટેનર બેકાબૂ બન્‍યું હતું. ડ્રાઈવર કન્‍ટેનર પર કાબૂ ન રાખી શકતાં છથી સાત વાહન અડફેટે આવ્‍યાં હતાં.

ઈન્‍સ્‍પેક્‍ટર દાઈગડેએ જણાવ્‍યું હતું કે પ્રાથમિક તપાસમાં કન્‍ટેનરના બ્રેક ફેઈલને કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળ્‍યું હતું. આગળ જઈ રહેલાં વાહનોને ટકરાયા પછી કેન્‍ટેઈનર એક ટ્રક સાથે ભટકાયું હતું, પરંતુ કેન્‍ટેઈનર અને ટ્રક વચ્‍ચે સ્‍વિફટ કાર ફસાઈ ગઈ હતી. પછી એકાએક આગ લાગતાં બે વાહન સળગી ગયાં હતાં.

સોશ્‍યલ મીડિયા પર આ ઘટનાના અનેક વીડિયો વાયરલ થયા હતા, જેમાં બે વાહન ભડકે બળતાં નજરે પડે છે. આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા ઊડતા વીડિયોમાં દેખાય છે.

દરમિયાન બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવ્‍યા પછી મૃતકોને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્‍યા હતા. જખમીઓને સારવાર માટે નજીકની હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતા.

અકસ્‍માતને કારણે વાહનોથી ધમધમતા હાઈવે પર ટ્રાફિક જેમ થઈ ગયો હતો. મુંબઈ તરફ આવતી લેન પરના વાહનવ્‍યવહારને રોકી દેવો પડ્‍યો હતો, જેને કારણે દૂર દૂર સુધી વાહનોની લાઈન લાગી હતી. ટ્રાફિક પોલીસની મદદથી વાહનવ્‍યવહારનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. આ જ સ્‍થિતિ રાત સુધી રહી હતી. કલાકો સુધી વાહનધારકો ટ્રાફિકમાં ફસાયેલા હતા.(૩૮.૭)

(9:44 AM IST)