<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

પાકિસ્તાનમાં બંધારણીય કટોકટી: સેનાને અમર્યાદ સત્તા અને ન્યાયતંત્રને ગૌણ બનાવતા બંધારણના ૨૭મા સુધારાના વિરોધમાં પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ જજોના રાજીનામા

આ સુધારાએ સુપ્રીમ કોર્ટની સત્તાઓ છીનવી લીધી છે. હવે બંધારણીય બાબતો, કેન્દ્ર-રાજ્ય વિવાદો અને મૂળભૂત અધિકારોના કેસોની સુનાવણી માટે એક નવી ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ' (એફસીસી)ની રચના કરવામાં આવી છે. પાકિસ્તાનની વર્તમાન સુપ્રીમ કોર્ટ હવે ફક્ત દીવાની (સિવિલ) અને ફોજદારી (ક્રિમિનલ) કેસોમાં અપીલ સાંભળતી કોર્ટ બનીને રહી ગઈ છે

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી દ્વારા ગુરુવારે વિવાદાસ્પદ ૨૭મા બંધારણીય સુધારા પર હસ્તાક્ષર કરતાની સાથે જ દેશની સર્વોચ્ચ અદાલતમાં ભૂકંપ સર્જાયો હતો. સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ ન્યાયાધીશો, જસ્ટિસ સૈયદ મન્સૂર અલી શાહ અને જસ્ટિસ અતહર મિનલ્લાહે, આ સુધારાને 'બંધારણ પર ગંભીર હુમલો' ગણાવીને તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ નવા કાયદાથી આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને 'ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ' (સીડીએફ) તરીકે અભૂતપૂર્વ સત્તાઓ આપવામાં આવી છે અને તેમને આજીવન કાનૂની કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સાથે જ, સુપ્રીમ કોર્ટની સત્તાઓ છીનવીને એક નવી 'ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ'ની રચના કરવામાં આવી છે, જેણે ન્યાયતંત્રની સ્વતંત્રતા પર ગંભીર પ્રશ્નાર્થો ઉભા કર્યા છે.

વિગતવાર જોઈએ તો પાકિસ્તાનના ઇતિહાસમાં ૧૩ નવેમ્બર ૨૦૨૫નો દિવસ ન્યાયપાલિકા માટે કાળા દિવસ તરીકે નોંધાયો છે. દેશની શહબાઝ શરીફ સરકારે સંસદના બંને ગૃહોમાં વિવાદાસ્પદ ૨૭મો બંધારણીય સુધારો પસાર કરાવ્યા બાદ, ગુરુવારે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ તેના પર મંજૂરીની મહોર મારી દીધી હતી.

આ સુધારો કાયદો બન્યાના ગણતરીના કલાકોમાં જ, સુપ્રીમ કોર્ટના બે સૌથી વરિષ્ઠ અને આદરણીય ન્યાયાધીશો — જસ્ટિસ સૈયદ મન્સૂર અલી શાહ (સિનિયર પ્યુસ્ને જજ) અને જસ્ટિસ અતહર મિનલ્લાહ — એ ન્યાયતંત્રની સ્વતંત્રતાના હનનના વિરોધમાં રાજીનામા ધરી દીધા છે.

*જસ્ટિસ મન્સૂર અલી શાહનો આક્રોશ: 'આ બંધારણ પર હુમલો છે'*

જસ્ટિસ મન્સુર અલી શાહના રાજીનામાના પત્ર મુજબ, જસ્ટિસ સૈયદ મન્સૂર અલી શાહે રાષ્ટ્રપતિને સંબોધીને લખેલા પોતાના આકરા પત્રમાં જણાવ્યું હતું કે, "૨૭મો બંધારણીય સુધારો પાકિસ્તાનના બંધારણ પર એક ગંભીર હુમલો છે."

તેમણે સ્પષ્ટપણે લખ્યું કે, આ સુધારો:
* પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટને વિખેરી નાખે છે.
* ન્યાયપાલિકાને કારોબારી (સરકાર)ના નિયંત્રણ હેઠળ લાવી દે છે.
* આપણા બંધારણીય લોકશાહીના મૂળ પર જ પ્રહાર કરે છે.

જસ્ટિસ શાહે વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે, "આ સુધારાએ રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતની એકતાને તોડી નાખી છે, ન્યાયિક સ્વતંત્રતા અને અખંડિતતાને અપંગ બનાવી દીધી છે, અને દેશને દાયકાઓ પાછળ ધકેલી દીધો છે... આવી ક્ષતિગ્રસ્ત અને સંકુચિત અદાલતમાં સેવા આપીને, હું ન તો બંધારણની રક્ષા કરી શકું છું, ન તો તે સુધારાની ન્યાયિક સમીક્ષા કરી શકું છું જેણે અદાલતને વિકૃત કરી દીધી છે."

*જસ્ટિસ અતહર મિનલ્લાહ: 'જે બંધારણના શપથ લીધા તે રહ્યું જ નથી'*

બીજા વરિષ્ઠ જજ, જસ્ટિસ અતહર મિનલ્લાહે પણ પોતાના રાજીનામામાં સમાન ભાવના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, "મેં જે બંધારણની રક્ષા કરવાના શપથ લીધા હતા, તે બંધારણ હવે અસ્તિત્વમાં જ નથી." તેમણે ઉમેર્યું કે તેઓ એવો ઢોંગ કરી શકતા નથી કે જે નવા પાયા નાખવામાં આવી રહ્યા છે, તે બંધારણની કબર પર નથી.

*શું છે વિવાદાસ્પદ ૨૭મો સુધારો?*
આ બંધારણીય સુધારાએ પાકિસ્તાનના શક્તિ સંતુલનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે, જેમાં મુખ્યત્વે બે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે:

*૧. સેનાને અમર્યાદ સત્તા:*
આ સુધારા દ્વારા, પાકિસ્તાનના આર્મી ચીફ, ફિલ્ડ માર્શલ અસીમ મુનીર માટે 'ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ' (સીડીએફ) નામનું નવું અને સર્વોચ્ચ શક્તિશાળી પદ બનાવવામાં આવ્યું છે. આનાથી જનરલ મુનીર બંધારણીય રીતે આર્મી, નેવી અને એરફોર્સ — ત્રણેય પાંખોના વડા બની ગયા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ સુધારો ફિલ્ડ માર્શલ જેવા ફાઇવ-સ્ટાર રેન્કના અધિકારીઓને આજીવન કાનૂની કાર્યવાહીમાંથી સંપૂર્ણ મુક્તિ (ઇમ્યુનિટી) બક્ષે છે. રાષ્ટ્રપતિને પણ આજીવન મુક્તિ આપવામાં આવી છે.

*૨. સુપ્રીમ કોર્ટનું વિભાજન:*
આ સુધારાએ સુપ્રીમ કોર્ટની સત્તાઓ છીનવી લીધી છે. હવે બંધારણીય બાબતો, કેન્દ્ર-રાજ્ય વિવાદો અને મૂળભૂત અધિકારોના કેસોની સુનાવણી માટે એક નવી 'ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ' (એફસીસી)ની રચના કરવામાં આવી છે. પાકિસ્તાનની વર્તમાન સુપ્રીમ કોર્ટ હવે ફક્ત દીવાની (સિવિલ) અને ફોજદારી (ક્રિમિનલ) કેસોમાં અપીલ સાંભળતી કોર્ટ બનીને રહી ગઈ છે.

*ચીફ જસ્ટિસની ભૂમિકા પર સવાલ:*
મીડિયા અહેવાલો અનુસાર, જસ્ટિસ શાહ અને જસ્ટિસ મિનલ્લાહ બંનેએ આ સુધારો પસાર થતાં પહેલા પાકિસ્તાનના ચીફ જસ્ટિસ (સીજેપી)  અફ્રિદીને પત્ર લખીને આ ગંભીર મુદ્દે ચર્ચા કરવા માટે 'ફુલ કોર્ટ' મીટિંગ બોલાવવા વિનંતી કરી હતી, પરંતુ સીજેપી દ્વારા આ મામલે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.

આ બે વરિષ્ઠ જજોના રાજીનામાથી પાકિસ્તાનની ન્યાયપાલિકામાં અભૂતપૂર્વ સંકટ ઉભું થયું છે અને સરકાર તથા સૈન્ય ગઠબંધન સામે કાયદાકીય સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(10:18 AM IST)