<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

લોકશાહીની ઉત્ક્રાંતિ: 'બુલેટ'થી બેલેટ' સુધીની સફર; એક સમયે 'જંગલ રાજ' અને લોહિયાળ ચૂંટણી હિંસા માટે કુખ્યાત બિહારે કઈ રીતે 'ઝીરો વાયોલન્સ'નું મોડેલ સ્થાપિત કર્યું?

બિહાર, જે રાજ્યનો ચૂંટણી ઇતિહાસ એક સમયે લોહીથી લખાયેલો હતો, તેણે ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણપણે શાંતિપૂર્ણ મતદાન કરાવીને ઇતિહાસ રચ્યો છે. આ ચૂંટણીમાં હિંસાની એકપણ ઘટના નોંધાઈ નથી અને એકપણ બૂથ પર પુનઃમતદાન (રીપોલિંગ) કરવાની જરૂર પડી નથી. આ એ જ બિહાર છે જ્યાં ૧૯૯૦ની ચૂંટણીમાં ૮૭ લોકો માર્યા ગયા હતા અને ૧૯૯૫માં તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન. શેષને અભૂતપૂર્વ હિંસા અને ગેરરીતિઓને કારણે ચાર વખત ચૂંટણી મુલતવી રાખવી પડી હતી

 

નવી દિલ્હી: બિહાર, જે રાજ્યનો ચૂંટણી ઇતિહાસ એક સમયે લોહીથી લખાયેલો હતો, તેણે ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણપણે શાંતિપૂર્ણ મતદાન કરાવીને ઇતિહાસ રચ્યો છે. આ ચૂંટણીમાં હિંસાની એકપણ ઘટના નોંધાઈ નથી અને એકપણ બૂથ પર પુનઃમતદાન (રીપોલિંગ) કરવાની જરૂર પડી નથી. આ એ જ બિહાર છે જ્યાં ૧૯૯૦ની ચૂંટણીમાં ૮૭ લોકો માર્યા ગયા હતા અને ૧૯૯૫માં તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન. શેષને અભૂતપૂર્વ હિંસા અને ગેરરીતિઓને કારણે ચાર વખત ચૂંટણી મુલતવી રાખવી પડી હતી. 

ટી.એન. શેષન દ્વારા શરૂ કરાયેલા ક્રાંતિકારી સુધારા, ચૂંટણી પંચની નિરંતર કડકાઈ, ઇવીએમનો અમલ, કેન્દ્રીય સુરક્ષા દળોની વ્યાપક તૈનાતી અને મતદારોમાં આવેલી જાગૃતિએ સંયુક્ત રીતે આ અશક્ય લાગતા પરિવર્તનને શક્ય બનાવ્યું છે.

વિગતવાર જોઈએ તો વર્ષ ૨૦૨૫ની બિહાર વિધાનસભા ચૂંટણી માત્ર રાજકીય પરિણામો માટે જ નહીં, પરંતુ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટના તરીકે યાદ રખાશે. 

એક સમયે જે રાજ્યમાં 'મતદાન'નો અર્થ 'બૂથ કેપ્ચરિંગ', 'બૈલટ લૂંટ' અને જાતિ આધારિત સશસ્ત્ર સંઘર્ષ થતો હતો, તે જ રાજ્યે આજે 'શૂન્ય હિંસા' અને 'શૂન્ય પુનઃમતદાન'નું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 

આ પરિવર્તન રાતોરાત નથી આવ્યું; તેની પાછળ ત્રણ દાયકાના સંસ્થાકીય સુધારા અને સામાજિક મંથન રહેલું છે.

*લોહીથી રંગાયેલો કલંકિત ભૂતકાળ*

પ્રસિદ્ધ થયેલા આંકડા દર્શાવે છે કે બિહારમાં ચૂંટણીઓ કેવી રીતે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ જતી હતી:

 * ૧૯૮૫: વિધાનસભા ચૂંટણી દરમિયાન હિંસક ઘટનાઓમાં ૬૩ લોકોના મોત થયા હતા અને ૧૫૬ બૂથ પર ગેરરીતિઓને કારણે પુનઃમતદાનનો આદેશ આપવો પડ્યો હતો.

 * ૧૯૯૦: સ્થિતિ વધુ વણસી. ચૂંટણી હિંસામાં મૃત્યુઆંક વધીને ૮૭ પર પહોંચ્યો, જેણે બિહારને દેશભરમાં બદનામ કર્યું.

 * ૧૯૯૫: આ એ વર્ષ હતું જેણે ભારતીય ચૂંટણી પંચને તેની વાસ્તવિક શક્તિનો અહેસાસ કરાવ્યો. તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન. શેષને બિહારની અકલ્પનીય હિંસા અને વ્યાપક ગેરરીતિઓને કારણે રાજ્યની ચૂંટણીઓ એક-બે વાર નહીં, પરંતુ ચાર વખત સ્થગિત કરવી પડી હતી.

 * ૨૦૦૫: સુધારા છતાં, જમીની વાસ્તવિકતા સંપૂર્ણપણે બદલાઈ ન હતી. ૨૦૦૫ની ચૂંટણીમાં પણ હિંસા અને ગેરરીતિઓને કારણે ૬૬૦ બૂથ પર પુનઃમતદાન કરાવવું પડ્યું હતું.

*પરિવર્તનની શરૂઆત*: ટી.એન. શેષન યુગ

આ પરિવર્તનનો પાયો ૧૯૯૦ના દાયકાના મધ્યમાં ટી.એન. શેષને નાખ્યો હતો. શેષને સ્પષ્ટ કર્યું કે બંધારણે ચૂંટણી પંચને જે સત્તાઓ આપી છે, તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે.

૧. મતદાર ફોટો ઓળખપત્ર (ઈપીઆઇસી): બોગસ વોટિંગ રોકવા માટે આ સૌથી મોટું હથિયાર સાબિત થયું.

૨. આચારસંહિતાનો કડક અમલ: નેતાઓ અને અધિકારીઓ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા.

૩. કેન્દ્રીય દળોની તૈનાતી: શેષને રાજ્ય પોલીસ પરનો ભરોસો ઘટાડી, બૂથો પર કેન્દ્રીય સુરક્ષા દળો (જેમ કે સીઆરપીએફ અને બીએસએફ)ની તૈનાતી શરૂ કરાવી, જેથી સ્થાનિક ગુંડાઓ અને નેતાઓની દાદાગીરી પર અંકુશ લાવી શકાય.

*સુધારાઓની નિરંતર યાત્રા: 'બુલેટ'થી 'બૈલટ' સુધી*

શેષન દ્વારા શરૂ કરાયેલા સુધારાઓને અનુગામી ચૂંટણી કમિશનરોએ વધુ મજબૂત બનાવ્યા. આ પરિવર્તનના મુખ્ય સ્તંભો આ મુજબ છે:

 *બહુ-તબક્કાવાર મતદાન: (મલ્ટી ફેઝ પોલિંગ) બિહાર જેવા મોટા અને સંવેદનશીલ રાજ્યમાં એક જ દિવસે ચૂંટણી કરાવવી અશક્ય હતી. ચૂંટણી પંચે ૬થી ૮ તબક્કામાં મતદાન કરાવવાનું શરૂ કર્યું. આનાથી સુરક્ષા દળોને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં વ્યવસ્થિત રીતે ખસેડવાનો સમય મળ્યો અને દરેક બૂથ પર પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરી શકાઈ.

 * ઇવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન): બિહારમાં પરિવર્તન માટે ઇવીએમ ક્રાંતિકારી સાબિત થયા. 'બૈલટ પેપર' યુગમાં બૂથ કેપ્ચરિંગ સરળ હતું, જ્યાં ગુંડાઓ બૂથ પર કબજો જમાવી, બેલેટ પેપર પર આડેધડ સિક્કા મારી દેતા હતા. ઇવીએમ આવવાથી 'બૂથ લૂંટવું' લગભગ અશક્ય બની ગયું.

 * ખર્ચ પર નિયંત્રણ અને નિરીક્ષકો: ચૂંટણી પંચે અન્ય રાજ્યોના કડક આઈએએસ/આઈપીએસ અધિકારીઓને 'નિરીક્ષક' તરીકે મોકલવાનું શરૂ કર્યું. આ અધિકારીઓએ સ્થાનિક તંત્રની મિલીભગતને તોડી પાડી અને ઉમેદવારોના ખર્ચ પર બારીકાઈથી નજર રાખી.

 * સામાજિક અને રાજકીય જાગૃતિ: સમય જતાં, બિહારના મતદારો, ખાસ કરીને યુવા પેઢી, હિંસા અને જાતિવાદના રાજકારણથી કંટાળી ગઈ. મીડિયા અને સોશિયલ મીડિયાની જાગૃતિએ પણ 'જંગલ રાજ'ની છબીને નકારાત્મક બનાવી. રાજકીય પક્ષોને પણ સમજાયું કે હવે વિકાસ અને શાસન (ગવર્નન્સ)ના મુદ્દા પર જ મત મળી શકે છે.

*૨૦૨૫: એક નવો અધ્યાય*

૨૦૨૫ની ચૂંટણી આ ત્રણ દાયકાની મહેનતનું પરિણામ છે. કેન્દ્રીય દળોની અભેદ્ય સુરક્ષા, દરેક બૂથ પર સીસીટીવી કેમેરા, વીવીપેટ દ્વારા પારદર્શિતા અને ચૂંટણી પંચના ઝીણવટભર્યા આયોજને એ સુનિશ્ચિત કર્યું કે કોઈપણ અસામાજિક તત્વ મતદાન પ્રક્રિયાને પ્રભાવિત ન કરી શકે. બિહારનું આ મોડેલ હવે સાબિત કરે છે કે મજબૂત સંસ્થાકીય ઇચ્છાશક્તિ અને ટેકનોલોજીના યોગ્ય ઉપયોગથી ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિને પણ બદલી શકાય છે.

(10:40 AM IST)