<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

૧૭ હજાર કોમર્શીયલ ડ્રાઇવીંગ લાઇસન્‍સ રદ કરશે કેલીફોર્નીયા

ભારતીય મુળના ગેરકાયદે ટ્રક ડ્રાઇવરે ૩ લોકોના જીવ લીધા હજારો ભારતીયો ઉપરાંત અન્‍ય વિદેશીઓ ઉપર થશે અસર

નવી દિલ્‍હી, તા. ૧૪ : અમેરિકાના ફ્‌લોરિડામાં ઓગસ્‍ટ મહિનામાં ભારતીય મૂળના એક ગેરકાયદે ટ્રક ડ્રાઇવરની ભૂલના કારણે ત્રણ લોકોના મળત્‍યુ થયા હતા. આ એક ભૂલ હવે ૧૭,૦૦૦ વિદેશીઓને ભારે પડી છે, જેમાં હજારો ભારતીયો પણ સામેલ છે. અમેરિકી રાજ્‍ય કેલિફોર્નિયાએ આ ઘટના બાદ વિદેશી પ્રવાસીઓને જાહેર કરાયેલા ૧૭,૦૦૦ કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્‍સ રદ કરવાનો નિર્ણય લીધો છે.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વહીવટી તંત્રએ ચિંતા વ્‍યક્‍ત કરી હતી કે, આ લાયસન્‍સ ગેરકાયદે પ્રવાસીઓને ખોટી રીતે આપવામાં આવ્‍યા હોઈ શકે છે, જેના પગલે કેલિફોર્નિયાએ આ કડક પગલું ભર્યું છે. જોકે, કેલિફોર્નિયા સરકારે અસરગ્રસ્‍ત ડ્રાઇવરોની વિગતો જાહેર નથી કરી, પરંતુ માનવામાં આવે છે કે આ પગલાંની સૌથી વધુ અસર ભારતીય અને ભારતીય મૂળના શીખ ટ્રક ડ્રાઇવરો પર પડશે.

કેલિફોર્નિયાના ગવર્નર ગૈવિન ન્‍યૂઝમે બુધવારે કહ્યું કે આ લાયસન્‍સ ગેરકાયદે છે, કારણ કે તેમની સમાપ્તિ તારીખ વધારવામાં આવી છે, પરંતુ જે લોકોને તે જારી કરાયા હતા, તેમની પાસે અમેરિકામાં રહેવાની કાયદેસર પરવાનગી સમાપ્ત થઈ ગઈ છે. ગત મહિને કેલિફોર્નિયામાં અન્‍ય એક ભારતીય ગેરકાયદે ટ્રક ડ્રાઇવર સાથે સંકળાયેલી દુર્ઘટનામાં ત્રણ લોકોના મળત્‍યુ નિપજ્‍યા હતા, જેનાથી આ મુદ્દે ચિંતા વધી હતી.

ગેરકાયદે ડ્રાઇવરોને લઈને આ મામલો હવે રાજકીય ટકરાવનું રૂપ લઈ ચૂકયો છે, જેમાં એક તફ ટ્રમ્‍પ વહીવટી તંત્ર અને બીજી તરફ ડેમોક્રેટ-શાસિત કેલિફોર્નિયા સરકાર છે.

અમેરિકન પરિવહન મંત્રી સીન પી. ડફી એ કેલિફોર્નિયા સરકારના દાવાને ફગાવી દીધો અને કહ્યું કે રાજ્‍યે આખી પ્રક્રિયાને ખોટી રીતે સંભાળી છે. ઘણા અઠવાડિયા સુધી એવો દાવો કર્યા પછી કે તેમણે કંઈ ખોટું નથી કર્યું, હવે ગૈવિન ન્‍યૂઝમ અને કેલિફોર્નિયા રંગે હાથે પકડાઈ ગયા છે. અમે તેમની સચ્‍ચાઈ સામે લાવ્‍યા છીએ. હવે ૧૭,૦૦૦ ગેરકાયદે જારી કરાયેલા ટ્રક લાયસન્‍સ રદ કરવામાં આવી રહ્યા છે.

જોકે, ડેમોક્રેટ ગવર્નરની ઓફિસ અને ટ્રમ્‍પ વહીવટી તંત્રનું પરિવહન વિભાગ બંને આ વાત પર સહમત છે કે આ લાયસન્‍સ પહેલાથી લાગુ ધોરણોનું ઉલ્લંઘન કરતા હતા.

(2:06 PM IST)