News of Friday, 14th November 2025
બિહાર ચૂંટણી જીત્યા બાદ હવે પીએમ મોદી અને નીતિશ કુમારે વાયદાઓ પર ખરા ઉતરવું પડશે
એનડીએના મેનિફેસ્ટોમાં શિક્ષણ, રોજગાર, ખેડૂતો અને દરેક વર્ગના લોકોને વાયદા :ગરીબો માટે પંચામૃત ગેરંટીનો વાયદો :ગરીબોને મફત અનાજ, 125 યુનિટ ફ્રી વીજળી, સાથે જ 5 લાખ સુધીના મફત ઈલાજની સુવિધાનું વચન

નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 2 તબક્કામાં મતદાન થયું અને એનડીએ ભારે બહુમત સાથે જીતી રહ્યું છે. 205 સીટો અત્યાર સુધીમાં એનડીએએ જીતી લીધી છે. બીજી તરફ મહાગઠબંધનનું 38 સીટોમાં પડીકું વળી ગયું છે. એનડીએ દ્વારા બહુમતનો આંકડો પાર કરી દેવામાં આવ્યો છે અને ભાજપ 92 સીટોથી આગળ છે. જેડીયૂ 82 સીટ અને એલજેપી 20 સીટોથી આગળ છે. એનડીએની જીત હવે નિશ્ચિત છે. જેથી ભાજપમાં નીતિશ કુમારની સરકારમાં હાલ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
બિહાર જીત્યા બાદ હવે પીએમ મોદી અને નીતિશ કુમારે એ વાયદાઓ પર ખરા ઉતરવું પડશે જે તેમણે ચૂંટણી પહેલા જનતાને કર્યા હતા. એનડીએના મેનિફેસ્ટોમાં શિક્ષણ, રોજગાર, ખેડૂતો અને દરેક વર્ગના લોકોને વાયદા કરવામાં આવ્યા હતા.
સત્તાધારી એનડીએ દ્વારા પોતાના ઘોષણા પત્રમાં ગરીબો માટે પંચામૃત ગેરંટીનો વાયદો આપવામાં આવ્યો છે. આ વાયદા અંતર્ગત ગરીબોને મફત અનાજ, 125 યુનિટ ફ્રી વીજળી, સાથે જ 5 લાખ સુધીના મફત ઈલાજની સુવિધા આપવામાં આવશે.
50 લાખ નવા મકાનો અને સામાજિક સુરક્ષા પેન્શન પણ આપવામાં આવશે.
એક કરોડથી વધારે નોકરી અને રોજગારનો વાયદો કરવામાં આવ્યો છે. આ વાયદો એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે દરેક યુવાનને નોકરી અને રોજગારી આપવામાં આવે.
દરેક જિલ્લામાં મેગા સ્કિલ સેન્ટર અંતર્ગત બિહારને ગ્લોબલ સ્કિલિંગ સેન્ટરના રૂપમાં સ્થાપિત કરવામાં આવશે.
મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના અંતર્ગત મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો લક્ષ્ય પૂરો કરવામાં આવશે.
કેજીથી લઈને પીડી સુધીનું શિક્ષણ મફતમાં આપવામાં આવશે. સ્કૂલોમાં મિડ ડે મિલની સાથે પૌષ્ટિક નાસ્તો અને સ્કૂલોમાં આધુનિક સ્કિલ લેબની વ્યવસ્થા કરવામાં આવશે.
બિહારમાં 3600 કિલોમીટરના રેલ ટ્રેકનું આધુનિકીકરણ કરવામાં આવશે. ચાર નવા શહેરોમાં મેટ્રો સેવા શરૂ થશે. અમૃત ભારત એક્સપ્રેસ અને નમો રેપિડ રેલ સેવાનો વિસ્તાર વધારવામાં આવશે.
દરેક જિલ્લાઓમાં અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવામાં આવશે. જેમાં 10 નવા ઔદ્યોગિક પાર્કને વિકસિત કરવામાં આવશે, કૌશલ જનગણના કરીને કૌશલ આધારિત રોજગાર આપવાનો વાયદો પણ એનડીએ દ્વારા કરવામાં આવ્યો છે.
કર્પૂરી ઠાકુર કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 3 હજાર રૂપિયા આપવામાં આવશે. દરેક પ્રમુખ પાકની પંચાયત સ્તર પર એમએસપી પર ખરીદી સુનિશ્ચિત કરવામાં આવશે. ફૂડ પ્રોસેસિંગ યુનિટ લગાવવાની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
