News of Friday, 14th November 2025
મોંઘવારીમાં મોટી રાહત: દેશનો જથ્થાબંધ ફુગાવાનો દર WPI સતત ચોથા મહિને નકારાત્મક, ઓક્ટોબરમાં ૧.૨૧% ઘટ્યો!: ગ્રાહકો અને ઉદ્યોગો બંને માટે સકારાત્મક સંકેત
સસ્તું અનાજ, ખાદ્ય વસ્તુઓ અને ક્રૂડ પેટ્રોલિયમ: અર્થતંત્રમાં 'ડિફ્લેશન'નો સંકેત, ભાવમાં થયો ઘટાડો: બીજી તરફ, ફ્યુઅલ અને પાવર જૂથ માટે સૂચકાંક ૧.૧૨ ટકા વધ્યો

નવી દિલ્હી : ભારતીય અર્થતંત્ર માટે રાહતભર્યા સમાચાર છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, દેશનો જથ્થાબંધ ફુગાવાનો દર (WPI) સતત ચોથા મહિને નકારાત્મક ક્ષેત્રમાં રહ્યો છે. ઓક્ટોબર ૨૦૨૫માં, જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં વાર્ષિક ધોરણે (-) ૧.૨૧ ટકાનો ઘટાડો નોંધાયો, જે ગ્રાહકો અને ઉદ્યોગો બંને માટે સકારાત્મક સંકેત છે.
આ ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજો, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, વીજળી, ખનિજ તેલ અને મૂળભૂત ધાતુઓના ભાવમાં થયેલા ઘટાડાને કારણે જોવા મળ્યો છે. નકારાત્મક ફુગાવાને ઘણીવાર ડિફ્લેશન કહેવામાં આવે છે, જે દર્શાવે છે કે જથ્થાબંધ સ્તરે ઘણી મુખ્ય ચીજવસ્તુઓના ભાવ પાછલા વર્ષની સરખામણીમાં ઘટ્યા છે.
ખાદ્ય પદાર્થોમાં તીવ્ર ઘટાડો: WPI ફૂડ ઇન્ડેક્સ, જે પ્રાથમિક અને ઉત્પાદિત ખાદ્ય પદાર્થો બંનેને આવરી લે છે, તેમાં મોટો ઘટાડો નોંધાયો છે. વાર્ષિક ધોરણે આ શ્રેણીમાં ફુગાવાનો દર અગાઉના (-) ૧.૯૯ ટકાથી ઘટીને (-) ૫.૦૪ ટકા થયો છે, જે ખાદ્ય પદાર્થોના ભાવમાં તીવ્ર ઘટાડો સૂચવે છે. પ્રાથમિક વસ્તુઓનો સૂચકાંક પણ સપ્ટેમ્બરની સરખામણીમાં ૦.૪૨ ટકા ઘટ્યો.
ઉત્પાદિત વસ્તુઓ અને ઇંધણનું ચિત્ર: WPIના સૌથી મોટા હિસ્સા (૬૪.૨૩% ભારાંક)વાળા મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ જૂથમાં ૦.૦૭ ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો. આ ઘટાડો મૂળભૂત ધાતુઓ, રસાયણો, મોટર વાહનો જેવી વસ્તુઓના ભાવ ઘટવાને કારણે થયો, જ્યારે કાપડ, ખાદ્ય ઉત્પાદનો અને ઇલેક્ટ્રોનિક માલ મોંઘા થયા હતા.
બીજી તરફ, ફ્યુઅલ અને પાવર જૂથ માટે સૂચકાંક ૧.૧૨ ટકા વધ્યો, જે મુખ્યત્વે વીજળી (૨.૮૯ ટકા) અને ખનિજ તેલ (૦.૬૭ ટકા)ના ઊંચા ભાવને કારણે હતો. જોકે, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસના ભાવમાં ૩.૧૩ ટકાનો ઘટાડો થયો હતો.
મંત્રાલયે હવે નવેમ્બર ૨૦૨૫ને આવરી લેતો આગામી WPI ડેટા ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જાહેર કરવાની જાહેરાત કરી છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
