News of Sunday, 16th November 2025
રાજૌરીમાં મોટી આફત ટળી : ઘરમાંથી મળી આવ્યું વિસ્ફોટક ડિવાઈસ, સુરક્ષા દળોએ કર્યું નષ્ટ
દિલ્હી બ્લાસ્ટના ઈનપુટ બાદ સઘન તપાસ, થાનામંડી સબડિવિઝનમાં ધમાકો કરીને કરાયું ડિફ્યુઝ

નવી દિલ્હીઃ દિલ્હી બ્લાસ્ટના તાર જમ્મુ કાશ્મીર સાથે જોડાયા હોવાના ઈનપુટને પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા દળો અને પોલીસ દ્વારા સઘન તપાસનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન જ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાંથી એક શક્તિશાળી આઈઈડી (ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) મળી આવતા સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો થયો હતો. જોકે, મોટી દુર્ઘટના ટાળીને આ વિસ્ફોટક ડિવાઈસને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યું છે.
આ સનસનીખેજ ઘટના રાજૌરી જિલ્લાના થાનામંડી સબડિવિઝનના અપર બંગાઈ ગામમાં બની હતી. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, એક ઘરની નજીકથી આઈઈડી મળી આવ્યું હતું. તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી અને તેમણે કોઈ જોખમ ન લેતાં તેને નિયંત્રિત વિસ્ફોટ દ્વારા નાશ કરવાનો નિર્ણય લીધો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે મોહમ્મદ અકબર નામના વ્યક્તિના ઘરને આંશિક નુકસાન થયું હતું. રાહતની વાત એ છે કે, વિસ્ફોટ પહેલા જ ઘર ખાલી કરાવી દેવાયું હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટના શુક્રવારે મોડી રાત્રે શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટની પૃષ્ઠભૂમિમાં આવી છે, જેમાં નવ લોકોના મૃત્યુ થયા હતા અને લગભગ 30 લોકો ઘાયલ થયા હતા. તે વિસ્ફોટ ફરીદાબાદમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટકોના સેમ્પલ લેતી વખતે થયો હતો. હરિયાણાના ફરીદાબાદમાં એક ઓપરેશન દરમિયાન પોલીસે મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કર્યા હતા, જેને બાદમાં નૌગામ લાવવામાં આવ્યા હતા.
રાજૌરીમાંથી વિસ્ફોટક ડિવાઈસ મળી આવવું અને તેને સુરક્ષિત રીતે નષ્ટ કરવું એ દર્શાવે છે કે સુરક્ષા દળો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને ડામવા માટે સતત સક્રિય છે. જોકે, આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે અને આ આઈઈડી કોણે અને શા માટે મૂક્યું હતું તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
