<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

યુપીના સોનભદ્રમાં મોટો માઇનિંગ અકસ્માત: ૧૫૦ ફૂટ ઊંચો પહાડ ધસી પડ્યો, ૩ શ્રમિકોના મૃતદેહ મળ્યાં

ખાણ દુર્ઘટનામાં ૧૫ મજૂરો હજી દટાયેલા હોવાની આશંકા; NDRF-SDRF દ્વારા આખી રાત બચાવ કામગીરી, મુખ્યમંત્રીના નિર્દેશ પર મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ઓબરા સ્થિત બિલ્લી મારકુંડી ખનન ક્ષેત્રમાં શનિવારે સાંજે એક ગંભીર દુર્ઘટના બની હતી. 'ક્રિષ્ના માઇનિંગ સ્ટોન'ની ખાણમાં ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન ૧૫૦ ફૂટથી વધુ ઊંચો પહાડનો એક મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં ૧૮ મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ખનન ક્ષેત્રમાં અફરા-તફરી મચી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
આખી રાત ચાલેલા બચાવ અભિયાનમાં NDRF અને SDRF ની ટીમોને કાટમાળ નીચેથી અત્યાર સુધીમાં ત્રણ મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી છે. દુર્ભાગ્યવશ, હજી પણ ૧૫ મજૂરો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે, જેમને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. અંધારું, ખાણમાં ભરાયેલું પાણી અને કાટમાળ સુધી પહોંચવામાં મુશ્કેલીઓ હોવાને કારણે બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બચી ગયેલા એક મજૂર છોટુ યાદવે જણાવ્યું હતું કે તેના બે સગા ભાઈઓ પણ હજી અંદર ફસાયેલા છે.
આ ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર, એડીજી ઝોન પીયૂષ મોર્ડિયા અને આઈજી મિર્ઝાપુર આર.પી. સિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને બચાવ કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. જિલ્લાધિકારી બી.એન. સિંહે આ ગંભીર દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે, જેની જવાબદારી અધિક જિલ્લાધિકારી (નાણા અને મહેસૂલ) વાગીશ સિંહને સોંપવામાં આવી છે.
સરકાર અને બચાવ દળો દ્વારા દટાયેલા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ખાણ ક્ષેત્રમાં સલામતીના ધોરણો અને નિયમોના પાલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

(11:41 AM IST)