<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

દિલ્હી કાર બ્લાસ્ટ આતંકી હુમલાનુ ઢાકા કનેક્શન બહાર આવ્યું: દિલ્હી બ્લાસ્ટની બ્લુ પ્રિન્ટ અને આદેશો બાંગ્લાદેશથી આપ્યા હતા: વિસ્ફોટકો મુર્શિદાબાદથી ભારતમાં ઘુસ્યા

 

 

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસમાં પાકિસ્તાની કડી બાદ હવે મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓને આ હુમલામાં બાંગ્લાદેશનું મજબૂત કનેક્શન મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે ઢાકામાં એક ગુપ્ત બેઠક યોજાઈ હતી અને વિસ્ફોટકોનો જથ્થો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ મારફતે ભારતમાં લાવવામાં આવ્યો હતો.

 

વિગતવાર જોઈએ તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ આતંકવાદી નેટવર્કના તાર વધુ ગૂંચવાઈ રહ્યા છે. અત્યાર સુધીની તપાસમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોની સંડોવણી સ્પષ્ટ થઈ રહી હતી, પરંતુ હવે આ કેસમાં બાંગ્લાદેશની ભૂમિકા પણ સામે આવી છે.

તપાસ એજન્સીઓના ઉચ્ચ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ હુમલાને અંજામ આપતા પહેલા બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ખાનગી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગુપ્ત બેઠકમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કરે તૈયાબાના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ સૈફ, આતંકી હેન્ડલર્સ અને બાંગ્લાદેશના પ્રતિબંધિત આતંકી સંગઠન 'અંસારુલ્લાહ બાંગ્લા ટીમ' ના સભ્યો હાજર રહ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે આ બેઠકમાં એક બોમ્બ નિષ્ણાત તેમજ બાંગ્લાદેશી વહીવટીતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ પણ સામેલ હોવાના પુરાવા મળ્યા છે.

 

અહેવાલો અનુસાર, ઢાકાની આ બેઠકમાંથી જ ભારતમાં હુમલાને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ ઉપરાંત, વિસ્ફોટ માટે જરૂરી વિસ્ફોટકોનો જથ્થો બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લા મારફતે સરહદ પાર કરાવી ભારતમાં પહોંચાડવામાં આવ્યો હતો. આ કામગીરીમાં 'ઇખ્તિયાર' નામના એક શંકાસ્પદની મુખ્ય ભૂમિકા હોવાનું મનાય છે, જેની સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન શોધખોળ ચાલી રહી છે. 

 

આ નવા ખુલાસાથી સ્પષ્ટ થાય છે કે દિલ્હીને દહેલાવવાનું આ કાવતરું પાકિસ્તાન અને બાંગ્લાદેશના આતંકી જૂથોએ સંયુક્ત રીતે ઘડ્યું હતું.

(9:30 AM IST)