News of Monday, 17th November 2025
કોંગોમાં ગોઝારી દુર્ઘટનાઃ ખાણમાં ગોળીબાર થતાં નાસભાગ મચીઃ કામચલાઉ પુલ તૂટવાથી ૪૦ ખાણિયાઓનાં મોત
૨૦ની સ્થિતિ ગંભીરઃ ભારે વરસાદ અને ભૂસ્ખલનના જોખમને કારણે ખાણકામ પર પ્રતિબંધ હોવા છતાં કામ કરી રહયા હતા

કોંગો, તા.૧૭: મધ્ય આફ્રિકી દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના દક્ષિણ-પૂર્વમાં આવેલી કાલાન્ડો ખાણમાં એક ભયાનક દુર્ઘટના ઘટી હતી. સૈનિકો દ્વારા ગોળીબાર કરાતાં ગેરકાયદેસર ખાણકામ કરી રહેલા મજૂરોમાં ગભરાટ ફેલાયો હતો. જીવ બચાવવા માટે થયેલી નાસભાગ દરમિયાન એક કામચલાઉ પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા ચાલીસ ખાણિયાઓનાં મોત નીપજ્યાં હતાં અને અન્ય સંખ્યાબંધ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
કોંગોના લુઆલાબા પ્રાંતના મુલોન્ડો વિસ્તારમાં આવેલી કાલાન્ડો તાંબા અને કોબાલ્ટની ખાણમાં શનિવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. આ વિસ્તારમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના જોખમને કારણે ખાણકામ પર પ્રતિબંધ હોવા છતાં, મોટી સંખ્યામાં ગેરકાયદેસર ખાણિયાઓ ખાણમાં ઉતર્યા હતા.
પ્રાંતીય ગળહમંત્રી રોય કૌમ્બાના જણાવ્યા અનુસાર, ખાણ સ્થળની સુરક્ષા કરી રહેલા સૈનિકોએ કોઈ કારણસર ગોળીબાર શરૂ કર્યો હતો. અચાનક ગોળીબારના અવાજથી ખાણિયાઓમાં અફરાતફરી અને ગભરાટ ફેલાયો હતો. જીવ બચાવવા માટે બધા મજૂરો એકસાથે ખાણમાંથી બહાર નીકળવાના મુખ્ય માર્ગ પર આવેલા એક કામચલાઉ પુલ તરફ દોડ્યા હતા.
દેશની ખાણકામ એજન્સીના અહેવાલ મુજબ, ક્ષમતા કરતાં વધુ લોકોના ધસારાને કારણે પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે લોકો એકબીજા પર પડ્યા હતા અને નીચે દટાઈ ગયા હતા. એજન્સીએ આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાલીસ લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે સ્થાનિક અધિકારીઓનો આંકડો બત્રીસનો છે. વીસથી વધુ ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનાએ કોંગોની અસુરક્ષિત અને અનિયંત્રિત ખાણકામ પ્રવળત્તિઓની પોલ ફરી એકવાર ખોલી દીધી છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
