News of Monday, 17th November 2025
દિલ્હી-એનસીઆર ઝેરી ધુમ્મસમાં લપેટાયું: હવા ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં, એક્યુઆઈ ૪૦૦ને પાર

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. સંખ્યાબંધ વિસ્તારોમાં તો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૦૦ને પાર કરી ગયો છે, જેને 'ગંભીર' શ્રેણી ગણવામાં આવે છે. ઝેરી ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ જવાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને દૃશ્યતા પણ ઘટી ગઈ છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ફરી એકવાર અતિ ગંભીર બની છે. સોમવારે સવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૫૭ સુધી પહોંચી ગયો હતો, જે 'ખતરનાક' શ્રેણીમાં આવે છે.
દિલ્હીના ઘણા વિસ્તારોમાં સ્થિતિ બેકાબૂ છે. ખાસ કરીને બવાના, રોહિણી, મુંડકા, વઝીરપુર અને આનંદ વિહાર જેવા વિસ્તારોમાં એક્યુઆઈ ૪૦૦થી ૪૫૦ની વચ્ચે નોંધાયો છે. અન્ય વિસ્તારોમાં પણ આ આંકડો ૨૫૦થી ૪૦૦ની વચ્ચે રહ્યો છે, જે 'ખૂબ જ ખરાબ' ગણાય છે.
સત્તાવાર સૂત્રો મુજબ, પડોશી રાજ્યોમાં પરાળ બાળવાના વધતા બનાવો અને વાહનોના ધુમાડાને કારણે પ્રદૂષણનું સ્તર વધ્યું છે.
નિષ્ણાતોના મતે, શનિવારના પ્રદૂષણમાં પરાળનો હિસ્સો અંદાજે ૧૬ ટકા અને વાહનોનો હિસ્સો ૧૮ ટકા જેટલો હતો.
સ્થિતિને કાબૂમાં લેવા માટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ત્રીજો તબક્કો એટલે કે ગ્રેપ-૩ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ અંતર્ગત બિન-જરૂરી બાંધકામ પ્રવૃત્તિઓ, પથ્થર કચડનારા એકમો અને પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો પર કડક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.
લોકોને, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓને, બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
