News of Monday, 17th November 2025
સાપુતારાના ઘાટમાર્ગમાં પ્રવાસીઓની કાર સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ :કાર ખીણમાં ખાબકતા બચી જતા મોટી દુર્ઘટના ટળી.
સુરતનો પરિવાર શિરડી સાઈ બાબાનાં દર્શન કરી સુરત પરત ફરતો હતો ત્યારે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર માર્ગની સાઈડમાં આવેલ સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ

સાપુતારા: ગુજરાતના ગિરિમથક સાપુતારાના ઘાટ વિસ્તારમાં એક મોટો અકસ્માત થતા રહી ગયો હતો. શિરડી સાંઈબાબાના દર્શન કરીને પરત ફરી રહેલા સુરતના એક પરિવારની મોટરકાર સંરક્ષણ દિવાલ સાથે અથડાઈ હતી, જોકે સદનસીબે કાર ખીણમાં ગબડતા બચી જતા પરિવારનો આબાદ બચાવ થયો હતો.
ડાંગ જિલ્લામાં આવેલા ગિરિમથક સાપુતારાના જોખમી ઘાટ માર્ગ પર રવિવારે એક પરિવાર ચમત્કારિક રીતે બચી ગયો હતો. પ્રાપ્ત અહેવાલો મુજબ, સુરતનો એક પરિવાર શિરડી સાંઈબાબાના દર્શન કરી પોતાની મોટરકારમાં ગુજરાત પરત ફરી રહ્યો હતો.
જ્યારે તેમની કાર સાપુતારા ઘાટ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે કોઈ કારણસર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી મોટરકાર માર્ગની સાઈડમાં આવેલી સંરક્ષણ દિવાલ સાથે જોરભેર અથડાઈ હતી.
અથડામણ એટલી ગંભીર હતી કે જો ત્યાં દિવાલ ન હોત તો કાર સીધી ઊંડી ખીણમાં ખાબકી શકી હોત. પરંતુ સંરક્ષણ દિવાલને કારણે વાહન અટકી ગયું હતું અને એક મોટી જાનહાનિ સર્જાતા ટળી હતી. આ ઘટનામાં પરિવારના સભ્યોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું મનાય છે, પરંતુ સૌનો આબાદ બચાવ થતાં પરિવારે અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ ઘટનાએ ફરી એકવાર ઘાટ માર્ગ પર સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
