<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

અનુસૂચિત જાતિના અનામતમાં ક્રીમી લેયરને બાકાત રાખો

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટિસ બીઆર ગવઈનું અનામત મામલે મહત્‍વનું નિવેદનઃ જરૂર હોય તેવા લોકોને તેનો લાભ મળે તે જરૂરીઃ જાસ્‍ટિસ ગવઇ

અમરાવતી,તા.૧૭: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટિસ બી આર ગવઈએ કહ્યું કે હું હવે એવા વિચારની તરફેણમાં છું કે અનુસૂચિત જાતિઓ (એસસી)ને મળતી અનામતમાં ક્રીમી લેયર એટલે કે આર્થિક-સામાજિક રીતે આગળ વધી ચૂકેલા વર્ગને બહાર કરવો જોઈએ. એક આઈએએસ અધિકારીના બાળકો અને એક ગરીબ ખેડૂત-શ્રમિકના બાળકોને એક સ્‍તર પર શકાય નહીં. અનામતનો લાભ એવા લોકો સુધી પહોંચવો જોઈએ, જેમને સૌથી વધુ તેની જરૂર છે.

ચીફ જસ્‍ટિસ બીઆર ગવઈએ અમરાવતીમાં આયોજિત કાર્યક્રમ ‘‘ઈન્‍ડિયા એન્‍ડ ધ લિવિંગ ઈન્‍ડિયન કોન્‍સ્‍ટિટ્‍યૂશન એટ ૭૫ યર્સ'માં રસપ્રદ સંબોધન કર્યું હતું અને અનામત અંગે મહત્‍વનું નિવેદન આપ્‍યું હતું. તેમણે ઉમેર્યું હતું કે તેમણે ભૂતકાળમાં પણ ઈન્‍દ્રા સાહની (મંડળ કમિશન) મામલાના આધાર પર આવો જ અભિપ્રાય આપ્‍યો હતો કે જેવી રીતે ઓબીસી સમુદાયમાં ક્રીમી લેયરની ઓળખ કરાય છે, એવી જ રીતે આ વ્‍યવસ્‍થા એસસી સમુદાય માટે પણ હોવી જોઈએ. પછી ભલે આ વિચારની ખૂબ ટીકા થઈ હોય. તેમણે સ્‍મિત સાથે ઉમેર્યું કે, જજોએ સામાન્‍ય રીતે પોતાના ચુકાદાઓનો બચાવ કરવો જોઈએ નહીં અને હવે મારી પાસે સેવાનિવૃત્ત સુધી ફક્‍ત એક સપ્તાહ જ બચ્‍યું છે.

ઈન્‍ડિયા એન્‍ડ ધ લિવિગ ઈન્‍ડિયન કોન્‍સ્‍ટિટયૂશન એટ ૭૫ યર્સ' વિષય પર બોલતાં ચીફ જસ્‍ટિસ ગવઈએ વધુમાં કહ્યું કે, દેશોમાં વર્ષો દરમિયાન મહિલાઓના અધિકાર અને સમાનતાને લઈને જાગૃતિ વધી છે અને ભેદભાવનો વિચાર જૂનો થઈ રહ્યો છે.

ચીફ જસ્‍ટિસે ભાવુક થઈને યાદ કર્યું કે તેમના પ્રથમ કાર્યકાળનો પ્રથમ કાર્યક્રમ મહારાષ્ટ્રના પોતાના વતન અમરાવતીમાં હતો અને છેલ્‍લો કાર્યક્રમ આંધ્રપ્રદેશના અમરાવતીમાં, જાણે કે તેમની યાત્રા એક પૂર્ણ ચક્ર પુરું કરી રહી છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, ભારતીય બંધારણ સ્‍થિર નથી, પરંતુ એક ‘જીવંત, વિકસિત થનાર દસ્‍તાવેજ' છે.

(9:56 AM IST)