<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

પહેલા ફલાઈંગ કિસ આપી પછી નજીક જઈને ગાલ પર બે કિસ કરી

વેપારીના દીકરાની અશ્‍લીલ હરકતથી લોહી ઉકળી જશે : ઝાંસી જિલ્‍લામાંથી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્‍યો

ઝાંસી,તા.૧૭: સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા વીડિયો વાયરલ થતા હોય છે, જેને જોઈને તમારું લોહી ઉકળી જાય. ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્‍લામાંથી હવે આવી જ એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્‍યો છે. જેમાં ઝાંસીના એક જાણીતા વેપારીનો દીકરો રેસ્‍ટોરન્‍ટના રિસેપ્‍શન ડેસ્‍ક પર બેઠેલી એક યુવતી સાથે ગેરવર્તન કરે છે.

વાયરલ વીડિયો અનુસાર, સોના-ચાંદીનો વેપારી પહેલા તો યુવતીને ફલાઇંગ કિસ આપે છે, ત્‍યાર બાદ તેની પાસે જઈને ગળે લગાવે છે અને જબરદસ્‍તીથી બે વાર કિસ કરે છે. વીડિયો વાયરલ થતા પોલીસ એક્‍શનમાં આવી અને યુવતીની ફરિયાદ બાદ વેપારીના દીકરાને દબોચી લીધો છે.

જણાવી દઈએ કે, સમગ્ર મામલો નબાબાદ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના અલ્‍હાબાદ બેંચ ચોક સ્‍થિત એક રેસ્‍ટોરન્‍ટનો છે. વીડિયોમાં જોવા મળતો વેપારીનો દીકરો રિસેપ્‍શન ડેસ્‍ક પર બેઠેલી યુવતી સાથે કંઈક વાતચીત કરતો જોવા મળે છે. વાતચીત દરમિયાન તેની સાથે એક છોકરી પણ જોવા મળે છે. શખ્‍સ પહેલા યુવતીને ફલાઇંગ કિસ આપે છે અને લિફટ તરફ આગળ વધે છે, પરંતુ થોડી વાર પછી તે પાછો યુવતી પાસે આવીને પહેલા તેને ગળે લગાવે છે અને પછી બે વાર ગાલ પર કિસ કરી લે છે. યુવકની આ હરકતને જોઈને પાસે ઊભેલી બે યુવતીઓ હસે છે. આખી ઘટના રેસ્‍ટોરન્‍ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. સીસીટીવી ફૂટેજને ધ્‍યાને લઈને પોલીસે વેપારીના દીકરાની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, વેપારીના દીકરાનું નામ અમન અગ્રવાલ જણાવવામાં આવી રહ્યું છે.

અચાનક શખ્‍સના આવા વર્તનથી પહેલા તો મહિલા રિસેપ્‍શનિસ્‍ટને કંઈ સમજાતું નથી કે, તેની સાથે શું થયું છે. થોડી વાર પછી મહિલા આ જાણકારી અન્‍ય કર્મચારીને આપે છે અને પોલીસમાં ફરિયાદ કરે છે. તેનું કહેવું છે કે, અમન અગ્રવાલ નશાની હાલતમાં હતો, તેણે પહેલા મારી સાથે ગેરવર્તન કર્યું પછી બળજબરીથી ગળે લગાવીને ગાલ પર કિસ કરી. જ્‍યારે નબાબાદ પોલીસ સ્‍ટેશનના ઇનચાર્જ જેપી પાલનું કહેવું છે કે, મામલાની તપાસ ચાલુ છે અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

(10:00 AM IST)