<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

યુરોપની નોકરી છોડી પાછા ફરેલા બે ઉત્તરાખંડી યુવા એન્જિનિયરોએ બનાવ્યું 'પહાડી AI'!: નવી ટેકનોલોજી નવી પેઢીને તેમની ભાષા સાથે જોડવામાં કરશે મદદ

ગઢવાલી, કુમાઓની અને જૌનસારી ભાષામાં દરેક સવાલનો જવાબ આપશે; લુપ્ત થતી બોલીઓ બચાવવા જય આદિત્ય અને સુમિતેશ નૈથાનીએ ગામડે ગામડે ફરીને ડેટા એકઠો કર્યો

દેહરાદૂન, ઉત્તરાખંડ: ઉત્તરાખંડના બે યુવા એન્જિનિયરો – જય આદિત્ય નૌટિયાલ અને સુમિતેશ નૈથાની – એ દોઢ વર્ષની સખત મહેનત પછી એક અનોખી કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) સિસ્ટમ વિકસાવી છે, જેને 'પહાડી AI' નામ આપવામાં આવ્યું છે. આ AI હવે રાજ્યની ત્રણ મુખ્ય પહાડી ભાષાઓ – ગઢવાલી, કુમાઓની અને જૌનસારી – માં કોઈપણ પ્રકારના પ્રશ્નોના જવાબ આપી શકશે.

આ AI નું લોન્ચિંગ રવિવારે દહેરાદૂનમાં ભાષા મંત્રી સુબોધ ઉનિયાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોક ગાયક નરેન્દ્ર સિંહ નેગી પણ હાજર રહ્યા હતા. નેગીએ આ પહેલને બિરદાવતા કહ્યું કે, "નવી ટેકનોલોજી નવી પેઢીને તેમની ભાષા સાથે જોડવામાં મદદ કરશે. યુવાનોને તેમની ભાષા તરફ આકર્ષવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ."

વિદેશમાંથી પરત ફર્યા, સંસ્કૃતિ બચાવી: રસપ્રદ વાત એ છે કે, આ બંને સ્થાપકો યુરોપમાં મોટી વૈશ્વિક સંસ્થાઓ માટે સ્કેલેબલ AI સોલ્યુશન્સ વિકસાવવાની આકર્ષક નોકરીઓ છોડીને આ પ્રોજેક્ટ માટે ઉત્તરાખંડ પાછા ફર્યા હતા. તેમને હંમેશા લુપ્ત થવાની આરે રહેલી પહાડી ભાષાઓની દુર્દશાની ચિંતા હતી.

પોતાના વિચારને સાકાર કરવા માટે, જય આદિત્ય અને સુમિતેશ ગામડે ગામડે ફર્યા હતા, જ્યાં તેમણે સ્થાનિક બોલીઓ, ઉચ્ચારણો અને ભાષાકીય પેટર્નનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમણે માત્ર શબ્દો જ નહીં, પણ ગઢવાલી, કુમાઓની અને જૌનસારી કહેવતો, રૂઢિપ્રયોગો અને લોકગીત શૈલીઓ ને પણ ડેટામાં સમાવીને AI મોડેલને તાલીમ આપી છે.

કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે આ એન્જિનિયરોના કાર્યને 'મહત્વપૂર્ણ' ગણાવ્યું હતું અને જાહેરાત કરી હતી કે ઉત્તરાખંડ ભાષા વિભાગ અને HNB ગઢવાલ યુનિવર્સિટી આ સોફ્ટવેરને સંપૂર્ણ રીતે વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે.

 

(9:50 PM IST)