News of Monday, 17th November 2025
સાઉદી અરબમાં ભયાનક કરુણાંતિકા: મદીના નજીક બસ-ટેન્કર અકસ્માતમાં હૈદરાબાદના એક જ પરિવારના પતિ, પત્ની, તેમના પુત્રો, પુત્રીઓ, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીઓ સહિત ૧૮ સભ્યોના મોત: પૂર્વ ક્રિકેટર અને તેલંગાણાના લઘુમતી કલ્યાણ મંત્રી મોહમ્મદ અઝહરુદ્દીન પીડિત પરિવારોને મળ્યા
અન્ય એક પરિવારના સાત સભ્યો મૃત્યુ પામ્યા: માત્ર બે પરિવારના જ ૨૫ સભ્યોના મોત નીપજતા હાહાકાર: અકસ્માતમાં માત્ર એક જ યાત્રી, મોહમ્મદ અબ્દુલ શોએબ બચી જવા પામ્યો છે, જે ભયંકર રીતે દાઝી જતાં સ્થિતિ ગંભીર છે

હૈદરાબાદ/રિયાધ: સાઉદી અરેબિયામાં મક્કાથી મદીના જઈ રહેલી યાત્રાળુઓની બસને સોમવારે વહેલી સવારે તેલના ટેન્કર સાથે ભયાનક અકસ્માત નડ્યો, ટક્કર બાદ બસમાં આગ ફાટી નીકળતાં ૪૫ ભારતીયોના કરુણ મોત થયા. જેમાં એક જ પરિવારના ૧૮ સભ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય એક પરિવારના સાત સભ્યો પણ મૃત્યુ પામ્યા છે, જેના કારણે હૈદરાબાદમાં માતમ છવાયો છે. તેલંગાણા સરકારે મૃતકોના પરિજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. પૂર્વ ક્રિકેટર અને તેલંગાણાના લઘુમતી કલ્યાણ મંત્રી મોહમ્મદ અઝહરુદ્દીન પીડિત પરિવારોને મળ્યા હતા અને તેઓ રાહત કાર્યો માટે સરકારી ટીમ સાથે સાઉદી અરબ જશે.
સાઉદી અરેબિયામાં ઉમરાહની પવિત્ર યાત્રા પર ગયેલા ભારતીય યાત્રાળુઓ માટે સોમવારનો દિવસ કાળ બનીને આવ્યો. મક્કામાં ઉમરાહ કર્યા બાદ મદીના તરફ જઈ રહેલી એક ખાનગી બસ મદીના શહેરથી લગભગ પચીસ કિલોમીટર દૂર એક તેલ ભરેલા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે તરત જ બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. બસમાં સવાર યાત્રીઓને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પરિણામે બસમાં સવાર ૪૬ ભારતીયોમાંથી ૪૫ લોકોના ઘટનાસ્થળે જ અગ્નિકાંડમાં કરુણ મોત નીપજ્યાં હતા.
આ અકસ્માતમાં માત્ર એક જ યાત્રી, મોહમ્મદ અબ્દુલ શોએબ, ગંભીર રીતે દાઝી જતાં બચી જવા પામ્યો છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
હૈદરાબાદમાં હૈયાફાટ રૂદન: એક જ પરિવારના ૧૮ સભ્યો કાળનો કોળિયો
આ દુર્ઘટનાએ હૈદરાબાદ શહેરને હચમચાવી દીધું છે, કારણ કે મોટાભાગના યાત્રાળુઓ ત્યાંના જ વતની હતા. સૌથી દર્દનાક કિસ્સો મુશીરાબાદ વિસ્તારમાં રહેતા શેખ નસીરુદ્દીનના પરિવારનો છે. આ બસમાં શેખ નસીરુદ્દીન, તેમના પત્ની અખ્તર બેગમ, તેમના પુત્રો, પુત્રીઓ, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીઓ સહિત પરિવારના કુલ ૧૮ સભ્યો સવાર હતા, અને તે બધા જ આ અગ્નિકાંડમાં મૃત્યુ પામ્યા છે.
આ ઉપરાંત, અન્ય એક પરિવારની સબિલા બેગમ, તેમના પુત્ર ઇરફાન, વહુ હુમૈરા અને બે માસૂમ બાળકો હમદાન અને ઝફરા પણ આ દુર્ઘટનામાં માર્યા ગયા છે. મૃતકોના સંબંધીઓએ રડતાં રડતાં જણાવ્યું કે, "બાળકો પહેલીવાર ઉમરાહ માટે ગયા હતા અને બધા ખૂબ જ ખુશ હતા. તેઓ અઠવાડિયાઓથી આ યાત્રાની તૈયારી કરી રહ્યા હતા, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. આજે એ ઘરમાં માતમ છવાયો છે."
પીડિત પરિવારના એક સંબંધી મોહમ્મદ અસલમે ભાવુક થઈને જણાવ્યું કે, "અમારા ૧૮ લોકો ખતમ થઈ ગયા. અમે સરકાર પાસે સંપૂર્ણ તપાસની અને જવાબદારોને સજા મળે તેવી માંગ કરીએ છીએ."
*સરકાર હરકતમાં: તેલંગાણાના મંત્રી અઝહરુદ્દીન સાઉદી જશે*
આ ભયાનક દુર્ઘટના બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ અને જેદ્દાહ સ્થિત કોન્સ્યુલેટને પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવા આદેશ આપવામાં આવ્યો છે અને હેલ્પલાઇન નંબરો પણ જારી કરાયા છે.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને રાજ્ય સરકાર વતી મૃતકોના પરિવારોને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. તેલંગાણાના લઘુમતી કલ્યાણ મંત્રી અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન તાત્કાલિક પીડિત પરિવારોના ઘરે પહોંચ્યા હતા અને તેમને સાંત્વના પાઠવી હતી.
સરકારે જાહેરાત કરી છે કે મોહમ્મદ અઝહરુદ્દીનના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ રાહત અને બચાવ કાર્યોમાં મદદ માટે સાઉદી અરબ જશે. આ ઉપરાંત, દરેક પીડિત પરિવારમાંથી બે સભ્યોને સરકારી ખર્ચે સાઉદી અરેબિયા મોકલવામાં આવશે, જ્યાં મૃતકોના અંતિમ સંસ્કાર (તદફીન) ઇસ્લામિક રીત રિવાજ મુજબ કરવામાં આવશે.
દરમિયાન, તેલંગાણા રાજ્ય હજ કમિટીના ચેરમેન ગુલામ અકઝલ બિયાબાનીએ જણાવ્યું હતું કે, જોકે આ યાત્રાળુઓ ખાનગી ઓપરેટર દ્વારા ગયા હતા અને તેના પર કમિટીનું કોઈ નિયંત્રણ નથી, તેમ છતાં તેઓ પીડિત પરિવારોને માહિતી અને શક્ય તમામ મદદ પૂરી પાડશે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
