<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

બાંગ્લાદેશમાં બળવાની સ્થિતિ: રાજકીય સંકટ ચરમસીમાએ: શેખ હસીનાને મૃત્યુદંડની સજા બાદ ઢાકા હિંસાની આગમાં લપેટાયું: ચુકાદો આવતાની સાથે જ રાજધાની ઢાકા યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું: સ્થિતિ બેકાબૂ: લશ્કર બોલાવાયું: ફ્લેગ માર્ચ:

પૂર્વ વડાપ્રધાનના પિતા શેખ મુજીબુર રહેમાનના ઘરને તોડી પાડવા દેખાવકારો બુલડોઝર સાથે ધસી આવતા સેના અને પોલીસ સાથે ગંભીર અથડામણ; બંને પક્ષે અનેક લોકોને ગંભીર ઈજાઓ: સમગ્ર શહેરમાં 'દેખો ત્યાં ઠાર'ના આદેશ

ઢાકા: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને 'માનવતા વિરુદ્ધના ગુનાઓ' બદલ એક વિશેષ ટ્રિબ્યુનલ દ્વારા તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. આ ઐતિહાસિક ચુકાદાના પગલે મોડી સાંજથી રાજધાની ઢાકામાં ભારે હિંસા અને અરાજકતા વ્યાપી ગઈ છે. ચુકાદાથી ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓના ટોળાં શેખ હસીનાના પિતાના નિવાસસ્થાનને તોડી પાડવાના ઇરાદે બુલડોઝર સાથે પહોંચ્યા હતા, જ્યાં તેમની સુરક્ષા દળો સાથે ઉગ્ર અથડામણ થઈ હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા અશ્રુવાયુના શેલ છોડ્યા અને ભારે લાઠીચાર્જ કર્યો હતો. વચગાળાની યુનુસ સરકાર માટે સ્થિતિ નિયંત્રણ બહાર જતાં સેનાને તૈનાત કરવામાં આવી છે અને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં 'દેખો ત્યાં ઠાર'ના આદેશ જારી કરાયા છે.

 

બાંગ્લાદેશમાં રાજકીય સંકટ ચરમસીમાએ પહોંચ્યું છે. દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને વર્ષ ૨૦૨૪ના જુલાઈ-ઓગસ્ટ માસમાં થયેલા વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ પર જીવલેણ બળપ્રયોગ કરવા અને 'માનવતા વિરુદ્ધના ગુનાઓ' આચરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઢાકાની વિશેષ 'આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ' દ્વારા સોમવારે શેખ હસીના અને તેમના તત્કાલીન ગૃહ પ્રધાન અસદુઝ્ઝમાન ખાનને ગેરહાજરીમાં જ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.

આ ચુકાદો આવતાની સાથે જ રાજધાની ઢાકા યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું. 

 

હજારોની સંખ્યામાં ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓ, જેમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થતો હતો, રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. 

 

સ્થિતિ ત્યારે વણસી જ્યારે એક મોટું ટોળું ધાનમંડી વિસ્તારમાં આવેલા શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઘર (જે હાલ સંગ્રહાલય છે) તરફ ધસી ગયું હતું. પ્રદર્શનકારીઓ 'બંગબંધુ'ના ઘરને તોડી પાડવાના નારા લગાવતા બે બુલડોઝર પણ સાથે લાવ્યા હતા.

 

આ ઘટનાની ગંભીરતાને જોતાં, વિસ્તારમાં તૈનાત પોલીસ, રેપિડ એક્શન બટાલિયન (આરએબી) અને સેનાના જવાનોએ ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ ટોળાને વિખેરવા માટે પહેલા લાઠીચાર્જ કર્યો અને ત્યારબાદ અશ્રુવાયુના અસંખ્ય શેલ છોડ્યા હતા. આના જવાબમાં ટોળાએ પણ ભારે પથ્થરમારો કર્યો હતો, જેના કારણે બંને પક્ષે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. 

 

કલાકો સુધી ચાલેલી આ હિંસક અથડામણના કારણે ઢાકાના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો અને દુકાનો-બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા.

 

ચુકાદાના દિવસ પહેલાથી જ ઢાકામાં તંગદિલીનો માહોલ હતો. રવિવારની રાતથી જ શહેરના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા દેશી બોમ્બ વિસ્ફોટો અને આગચંપીની ઘટનાઓ નોંધાઈ હતી. અસામાજિક તત્વોએ પ્રોફેસર મુહમ્મદ યુનુસ દ્વારા સ્થાપિત ગ્રામીણ બેંકની શાખાઓ અને પોલીસ ચોકીઓને પણ નિશાન બનાવી હતી.

પરિસ્થિતિની ગંભીરતાને જોતાં, ઢાકા મેટ્રોપોલિટન પોલીસે અગાઉથી જ શહેરમાં આગચંપી, વિસ્ફોટ કે સુરક્ષા દળો પર હુમલો કરનારાઓને 'દેખો ત્યાં ઠાર' (શૂટ-ઓન-સાઇટ) કરવાના કડક આદેશો જારી કરી દીધા હતા. 

 

એક તરફ વચગાળાના સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે આ ચુકાદાને 'ઐતિહાસિક ન્યાય' ગણાવીને લોકશાહીના પુનઃનિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે, તો બીજી તરફ શેખ હસીનાના સમર્થકો અને પક્ષના નેતાઓએ આને 'રાજકીય ષડયંત્ર' ગણાવીને દેશવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 

 

હાલ સમગ્ર બાંગ્લાદેશમાં, ખાસ કરીને ઢાકામાં, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને સેનાની ટુકડીઓ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહી છે.

(9:37 AM IST)