News of Wednesday, 19th November 2025
આસ્થાપૂર્વક પ્રયોગ કરવામાં આવે, ત્યારે પરમાત્મા સંયોગ સર્જે છે : લાલો ફિલ્મની ટીમને મોરારી બાપુના આશીર્વાદ
તલગાજરડા સ્થિત ચિત્રકૂટ ધામ ખાતે ફિલ્મની સ્ટારકાસ્ટ અને દિગ્દર્શકે બાપુ સાથે મુલાકાત કરી: મોરારીબાપુએ કહ્યું હતું કે, 'કૃષ્ણપણું ભલે અત્યારે ચલચિત્રમાં છે, પરંતુ તે ચિત્રની સાથે સાથે ચરિત્રમાં પણ જળવાઈ રહે તે આવશ્યક છે.

ગુજરાતી ફિલ્મ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે'ની ટીમે તાજેતરમાં સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ભાવનગર નજીક આવેલા તલગાજરડા સ્થિત ચિત્રકૂટ ધામ ખાતે ફિલ્મની સ્ટારકાસ્ટ અને દિગ્દર્શકે બાપુ સાથે વિશેષ મુલાકાત કરી હતી. આ પ્રસંગે મોરારી બાપુએ ફિલ્મની ભવ્ય સફળતાની શુભેચ્છાઓ પાઠવવાની સાથે જીવનમૂલ્યોને સ્પર્શતી શીખ પણ આપી હતી.
મોરારી બાપુએ ફિલ્મની ટીમને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, કલાકારોનું કાર્ય માત્ર સિનેમાના પડદા પૂરતું સીમિત ન રહેતા, પડદા પાછળ પણ એટલી જ આસ્થા સાથે થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, 'કૃષ્ણપણું ભલે અત્યારે ચલચિત્રમાં છે, પરંતુ તે ચિત્રની સાથે સાથે ચરિત્રમાં પણ જળવાઈ રહે તે આવશ્યક છે.'
સફળતા અંગે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરતા બાપુએ ઉમેર્યું હતું કે, 'જીવનનો નિયમ છે કે પ્રયોગ જીવ કરે છે, પણ સંયોગ ઈશ્વર રચે છે. જ્યારે આસ્થાપૂર્વક પ્રયોગ કરવામાં આવે છે, ત્યારે પરમાત્મા સંયોગ સર્જે છે અને તેની અસરકારકતાને કોઈ રોકી શકતું નથી.'
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
