<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

ભોપાલઃ પૂર્વ ઉપરાષ્‍ટ્રપતિ ધનખડને એરપોર્ટ પર લેવા કોઈ નેતા પહોંચ્‍યા નહીઃ આરએસએસના કાર્યક્રમમાં ભાગ લેવા આવ્‍યા'તા

દિગવિજય સિંહે ભાજપની ‘યુઝ એન્‍ડ થ્રો' નિતિની ઝાટકણી કાઢી : ધનખડે મજબૂત રાષ્‍ટ્રના નિર્માણ માટે આરએસએસના વિચારો અને દ્રષ્‍ટિકોણની પ્રશંસા કરી

ભોપાલ, તા.૨૨: પૂર્વ ઉપરાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના એક કાર્યક્રમમાં ભાગ લેવા શુક્રવારે ભોપાલ પહોંચ્‍યા હતા, જ્‍યાં એરપોર્ટ પર તેમના સ્‍વાગત માટે ભારતીય જનતા પાર્ટીના કોઈ અગ્રણી નેતા નહીં ફરકતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્‍વિજય સિંહે ભાજપ પર આકરા પ્રહાર કરતા તેને પાર્ટીની ‘યુઝ એન્‍ડ થ્રી'ની સંસ્‍કળતિનું ઉદાહરણ ગણાવ્‍યું છે. ઉલ્લેખનીય છે કે, સ્‍વાસ્‍થ્‍ય કારણોસર રાજીનામું આપ્‍યાના ચાર મહિના બાદ ધનખડનો આ પ્રથમ જાહેર કાર્યક્રમ હતો.

મધ્‍યપ્રદેશની રાજધાની ભોપાલમાં શુક્રવારે એક પુસ્‍તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા દેશના પૂર્વ ઉપરાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડના એરપોર્ટ પર સ્‍વાગતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સૂચક ગેરહાજરી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્‍યસભા સાંસદ દિગ્‍વિજય સિંહે ભાજપ પર નિશાન સાધ્‍યું હતું.

ભોપાલ એરપોર્ટ પર ભાજપના નેતાઓની અનુપસ્‍થિતિ અંગે પ્રતિક્રિયા આપતા દિગ્‍વિજય સિંહે ગંભીર આક્ષેપ કર્યો હતો કે આ ઘટના ભાજપની ‘વાપરો અને ફેંકી દો' (યુઝ એન્‍ડ થ્રો) નીતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, ભાજપ માટે માત્ર એ જ વ્‍યક્‍તિ મહત્‍વપૂર્ણ હોય છે જે તેમના કામમાં આવે.

જોકે, કોંગ્રેસ નેતાએ સ્‍પષ્ટતા કરી હતી કે તેઓ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (આરએસએસ) વિશે અત્‍યારે આવું કહી શકે નહીં, કારણ કે પૂર્વ ઉપરાષ્‍ટ્રપતિ સંઘના કાર્યક્રમમાં જ ભાગ લેવા માટે આવ્‍યા હતા.

દિગ્‍વિજય સિંહે એમ પણ જણાવ્‍યું હતું કે તેમણે પૂર્વ ઉપરાષ્‍ટ્રપતિને મળવા માટે તેમના અધિકારીઓ પાસે સમય માંગ્‍યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખડે આશરે ચાર મહિના પહેલા સ્‍વાસ્‍થ્‍ય સંબંધી કારણોસર ઉપરાષ્‍ટ્રપતિ પદેથી રાજીનામું આપ્‍યું હતું. પદ છોડ્‍યા બાદ શુક્રવારે ભોપાલમાં યોજાયેલ કાર્યક્રમ તેમનું પ્રથમ જાહેર સંબોધન હતું. તેઓ અહીં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના વરિષ્ઠ પદાધિકારી મનમોહન વૈદ્ય દ્વારા લિખિત પુસ્‍તકના વિમોચન સમારોહમાં મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.

પોતાના સંબોધનમાં પૂર્વ ઉપરાષ્‍ટ્રપતિ ધનખડે એક મજબૂત રાષ્‍ટ્રના નિર્માણ માટે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના વિચારો અને દ્રષ્ટિકોણની પ્રશંસા કરી હતી. તેમણે દેશના લોકોના પરસ્‍પર વિશ્વાસ, સાંસ્‍કળતિક મૂળ અને લોકતાંત્રિક સંસ્‍થાઓની એકતાને જાળવી રાખવાની અનિવાર્યતા પર ભાર મૂકયો હતો.

(10:52 AM IST)