<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

મુંબઈમાં પ્રદૂષણ સામે લાલ આંખ: એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૦૦થી વધશે તો બાંધકામો તાત્કાલિક બંધ કરાશે

મુંબઈ: શિયાળાની શરૂઆત સાથે જ પ્રદૂષણનું પ્રમાણ વધતા મુંબઈ મહાનગર પાલિકાએ 'ગ્રેપ-૪' હેઠળ કડક કાર્યવાહીના આદેશો આપ્યા છે, જેમાં બાંધકામ સાઈટ્સ પર વિશેષ નજર રાખવામાં આવશે.

મુંબઈમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે, જેના પગલે બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી) એક્શન મોડમાં આવી છે. પાલિકા કમિશનરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો શહેરના કોઈપણ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ૨૦૦ના આંકને પાર કરશે, તો તે વિસ્તારમાં ચાલી રહેલી તમામ બાંધકામ પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવશે. 

પ્રદૂષણ નિયંત્રણ માટે પાલિકાએ દરેક વોર્ડમાં વિશેષ 'ફ્લાઈંગ સ્કવોડ' તૈનાત કરી છે, જેમાં બે એન્જિનિયર અને એક પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે. આ ટીમો બાંધકામ સાઈટ્સ પર ધૂળ ઉડતી રોકવા માટેના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરશે. ખુલ્લામાં કચરો સળગાવવા પર પણ કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

બીએમસીએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

 

(11:08 AM IST)