News of Sunday, 23rd November 2025
આર્મી ચીફની પાક.ને ખુલ્લી ચેતવણી: 'લડીને જીતવાની તાકાત નથી એટલે... પ્રોક્સી વોરથી અસ્થિરતા ફેલાવવાનું ષડયંત્ર'
આ ઓપરેશનને એક 'ભરોસાપાત્ર ઓર્કેસ્ટ્રા' તરીકે ઓળખાવ્યું, જેમાં ગુપ્તચર એજન્સીઓ, સશસ્ત્ર દળો અને ટેકનોલોજીનો અદ્ભુત તાલમેલ જોવા મળ્યો હતો: જનરલ દ્વિવેદી

નવી દિલ્હી: ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને આડે હાથ લેતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે, સીધા યુદ્ધમાં ભારતને હરાવવાની તાકાત ન હોવાથી પાડોશી દેશ હવે 'પ્રોક્સી વોર' (પરોક્ષ યુદ્ધ) દ્વારા ભારતમાં અસ્થિરતા ફેલાવવાનું કાવતરું કરી રહ્યો છે. નવી દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (NDIM)ના દીક્ષાંત સમારોહમાં બોલતા જનરલ દ્વિવેદીએ તાજેતરમાં દિલ્હીમાં થયેલા ધમાકાને પણ આ જ ષડયંત્રનો એક ભાગ ગણાવ્યો હતો, જેમાં પાકિસ્તાન પોતાની હાજરી બતાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું હતું.
જનરલ દ્વિવેદીએ ભારપૂર્વક જણાવ્યું કે, પાકિસ્તાને સ્વીકારી લીધું છે કે તે ભારતને યુદ્ધના મેદાનમાં હરાવી શકશે નહીં. આથી, તે પ્રોક્સી વોર અને ખોટા યુદ્ધ દ્વારા ભારતમાં બોમ્બ ધમાકા કરીને અસ્થિરતા ફેલાવવાના પ્રયાસો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની નિયત તો ભારતના દરેક ખૂણામાં, ખાસ કરીને મુંબઈ સહિતના ઘણા વ્યસ્ત શહેરોમાં ધમાકા કરવાની હતી. જોકે, તેમણે આજના બદલાયેલા ભારતની પ્રશંસા કરી અને કહ્યું કે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ સમયસર ઓપરેશન ચલાવીને તેમની આ તમામ ગતિવિધિઓને પહેલાથી જ પામી લીધી હતી.
તેમણે સફળ લશ્કરી ઓપરેશન 'ઓપરેશન સિંદૂર' નો ઉલ્લેખ કરતાં તેના વિશે માહિતી આપી. જનરલ દ્વિવેદીએ આ ઓપરેશનને એક 'ભરોસાપાત્ર ઓર્કેસ્ટ્રા' તરીકે ઓળખાવ્યું, જેમાં ગુપ્તચર એજન્સીઓ, સશસ્ત્ર દળો અને ટેકનોલોજીનો અદ્ભુત તાલમેલ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, "આ કોઈ તાત્કાલિક લેવાયેલો નિર્ણય નહોતો, પરંતુ ઘણા વર્ષોની એ કલ્પનાનું પરિણામ હતું." આ સંપૂર્ણ તાલમેલને કારણે જ ભારતીય સશસ્ત્ર દળો માત્ર ૨૨ મિનિટમાં નવ આતંકી ઠેકાણાઓને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં સફળ રહ્યા હતા.
જનરલ દ્વિવેદીના જણાવ્યા અનુસાર, ૭ મેના રોજ શરૂ થયેલું 'ઓપરેશન સિંદૂર' લગભગ ૮૮ કલાક સુધી ચાલ્યું હતું અને ૧૦ મેની સાંજે બંને પક્ષો વચ્ચે સમજૂતી થયા બાદ તે અટક્યું હતું. આ ઓપરેશન થકી ભારતે સાબિત કરી દીધું છે કે તે હવે માત્ર આતંકવાદનો જવાબ આપનારું નહીં, પરંતુ આતંકવાદી ગતિવિધિઓ શરૂ થાય તે પહેલાં જ તેને નિષ્ફળ કરનારી આધુનિક અને સજ્જ સેના છે. આ નિવેદન ભારતની બદલાયેલી રક્ષા નીતિ અને પાકિસ્તાન માટે એક સ્પષ્ટ સંદેશ છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
