News of Sunday, 23rd November 2025
'પ્લાનેટ કિલર' વિસ્ફોટ અવકાશમાં નોંધાયો: તારામાંથી છૂટેલા ચાર્જ્ડ કણો નજીકના ગ્રહોનું વાતાવરણ સંપૂર્ણપણે નાશ કરી શકે
વૈજ્ઞાનિકોએ પહેલીવાર જોયું આટલું શક્તિશાળી 'કોરોનલ માસ ઇજેક્શન (CME)': પૃથ્વી પર જોવા મળતા સૌર તોફાનો કરતાં અનેકગણું પ્રચંડ : સૂર્ય કરતાં નાના તારાઓ પણ વધુ ખતરનાક: ગ્રહની રહેવા યોગ્યતા નક્કી કરવામાં CMEની ભૂમિકા : ૨,૪૦૦ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપ: CMEની ભયાનક તીવ્રતા અને ગ્રહો પર અસર

નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકોએ અવકાશ વિજ્ઞાનના ઇતિહાસમાં પહેલીવાર એક એવી પ્રચંડ ઘટનાનું અવલોકન કર્યું છે, જેની શક્તિ નજીકના ગ્રહોના સમગ્ર વાતાવરણને સંપૂર્ણપણે નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઘટનાને કોરોનલ માસ ઇજેક્શન (CME) કહેવામાં આવે છે. CME એ ત્યારે થાય છે જ્યારે કોઈ તારાના ઉપરના વાતાવરણમાંથી પ્લાઝ્માનો એક વિશાળ જથ્થો તીવ્ર ગતિથી અવકાશમાં બહાર ફેંકાય છે. આ શક્તિશાળી વિસ્ફોટ એટલો ઉર્જાવાન હતો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવો વિસ્ફોટ આજ સુધી પૃથ્વી પર જોવા મળ્યો નથી. યુરોપિયન સ્પેસ એજન્સીના બે વિશિષ્ટ સાધનો – XMM-ન્યૂટન સ્પેસ ઓબ્ઝર્વેટરી અને LOFAR રેડિયો ટેલિસ્કોપનો ઉપયોગ કરીને આ અસામાન્ય ઘટનાને જોવામાં આવી હતી, અને આ મહત્ત્વની શોધ 'નેચર' જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.
આ સંશોધનનો સૌથી ચોંકાવનારો ઘટસ્ફોટ એ છે કે નાના તારાઓ પણ આપણા સૂર્ય કરતાં વધુ શક્તિશાળી અને તીવ્ર અવકાશ હવામાન ઉત્પન્ન કરી શકે છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે મોટા અને શક્તિશાળી તારાઓ જ આવા મોટા વિસ્ફોટો માટે જવાબદાર હોય છે. પરંતુ આ નવી શોધે વૈજ્ઞાનિકોની વિચારધારા બદલી નાખી છે. વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી અન્ય તારાઓનું અવલોકન કરી રહ્યા છે કારણ કે CME જેવા વિસ્ફોટો ગ્રહ રહેવા યોગ્ય (Habitable) છે કે નહીં તે નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કોઈ ગ્રહ પર વારંવાર આવા પ્રચંડ વિસ્ફોટો થાય, તો તે ગ્રહ તેનું વાતાવરણ ગુમાવી શકે છે, જેનાથી ત્યાં જીવનની શક્યતાઓ નહિવત્ થઈ જાય.
આપણા સૌરમંડળની બહાર જોવા મળેલો CME એટલો શક્તિશાળી હતો કે અભ્યાસ મુજબ, તે તારાની નજીક આવેલા કોઈપણ ગ્રહનું વાતાવરણ જાળવી રાખવા દે નહીં. જોકે આ CME ની ગતિ આશરે ૨,૪૦૦ કિલોમીટર પ્રતિ સેકન્ડ હતી, જે આપણા સૂર્ય પર જોવા મળતા CMEની ગતિના માત્ર ૫% જ છે. પરંતુ, તેની તીવ્રતા અને ઉર્જા એટલી વધુ હતી કે તે તેના માર્ગમાં આવતા કોઈપણ ગ્રહ માટે વિનાશક સાબિત થઈ શકે છે. નેધરલેન્ડના વૈજ્ઞાનિક હેનરિક એકલુન્ડે કહ્યું કે, આ નવી શોધ અવકાશ હવામાન અને અન્ય તારાઓ પરના વિસ્ફોટોને સમજવા માટે નવી તકો પૂરી પાડે છે, જેનાથી પૃથ્વીની બહાર જીવનની શોધમાં પણ મદદ મળી શકે છે.
આ શોધ અવકાશ હવામાન (Space Weather)ના અભ્યાસ માટે એક નવા યુગની શરૂઆત કરે છે. CME એ પૃથ્વી પર પણ અસર કરે છે, જ્યાં તે સૌર તોફાનોના રૂપમાં પાવર ગ્રીડ, સેટેલાઇટ્સ અને કમ્યુનિકેશન સિસ્ટમ્સને નુકસાન પહોંચાડી શકે છે અને સુંદર ઓરોરા બોરિયલિસ ઉત્પન્ન કરી શકે છે.
હવે જ્યારે વૈજ્ઞાનિકો દૂરના તારાઓ પર પણ CMEનું અવલોકન કરી શક્યા છે, ત્યારે તેઓ ગ્રહોના વાતાવરણ પર આ વિસ્ફોટોની અસરનો વધુ સચોટ અંદાજ લગાવી શકશે. XMM-ન્યૂટન જેવી ઓબ્ઝર્વેટરી અને LOFAR જેવા રેડિયો ટેલિસ્કોપના સંયુક્ત ઉપયોગથી, ભવિષ્યમાં આવા વિસ્ફોટોની વધુ વિગતવાર તપાસ શક્ય બનશે.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
