<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

વૈષ્ણો દેવી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મામલે બબાલ: ભાજપ હવે ઉપરાજ્યપાલ સામે મેદાનમાં

જમ્મુ: વૈષ્ણો દેવી મેડિકલ કોલેજની ૫૦માંથી ૪૨ બેઠકો પર મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રવેશ મળતા વિવાદ થયો છેહિન્દુ સંગઠનોનો દાવો છે કે  ભક્તોના દાનથી ચાલતી સંસ્થામાં લાભ માત્ર હિન્દુઓને મળવો જોઈએ. આ બાબતે ભાજપ પણ મેદાનમાં, ઉપરાજ્યપાલ મનોજ સિંહા સામે મોરચો ખોલ્યો. ચીમકી આપી છે કે જો પ્રવેશ રદ નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે.

 

જમ્મુમાં ૨૦૦૮ના અમરનાથ આંદોલન બાદ ફરી એકવાર મોટો વિવાદ સપાટી પર આવ્યો છે. શ્રી માતા વૈષ્ણો દેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા પ્રવેશના વિરોધમાં હવે ભાજપ પણ સક્રિયપણે જોડાઈ ગયું છે અને ઉપરાજ્યપાલ સામે મોરચો માંડ્યો છે.

 

આ વિવાદનું મૂળ ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષ માટે જાહેર થયેલી પ્રથમ એમબીબીએસ યાદી છે. સંસ્થાની કુલ ૫૦ બેઠકોમાંથી ૪૨ બેઠકો પર મુસ્લિમ વિદ્યાર્થીઓના નામ આવતા હિન્દુ સંગઠનો રોષે ભરાયા છે. આ મામલે જમ્મુના વિવિધ હિન્દુ સંગઠનો અને વેપારી મંડળોએ એક થઈને ‘શ્રી માતા વૈષ્ણો દેવી સંઘર્ષ સમિતિ’ની રચના કરી છે. 

 

સમિતિના સભ્યો અને પૂર્વ સૈન્ય અધિકારીઓની દલીલ છે કે, આ મેડિકલ સંસ્થા હિન્દુ શ્રદ્ધાળુઓના ફાળા અને ચઢાવા થકી ચાલે છે, તેથી અહીંની બેઠકો હિન્દુ વિદ્યાર્થીઓ માટે અનામત હોવી જોઈએ. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, "જ્યારે સંસ્થા હિન્દુ ભક્તોના ધનથી બની છે, તો તેનો લાભ પણ તે સમાજને જ મળવો જોઈએ."

 

આ આંદોલનમાં હવે ભાજપે સત્તાવાર રીતે ઝંપલાવ્યું છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્માના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ઉપરાજ્યપાલ મનોજ સિંહાને મળ્યું હતું અને પ્રવેશ પ્રક્રિયાના નિયમોની સમીક્ષા કરવા તથા સુધારાત્મક પગલાં લેવાની માંગ કરી હતી. ઉધમપુરના ધારાસભ્ય આર.એસ. પઠાણિયાએ પણ શ્રાઇન બોર્ડ એક્ટમાં બદલાવની હિમાયત કરી છે.

 

બીજી તરફ, અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ પ્રવેશો મેરીટના આધારે આપવામાં આવ્યા છે અને સંસ્થાને 'માઈનોરિટી' (લઘુમતી) સંસ્થાનો દરજ્જો ન હોવાથી ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. જોકે, વિરોધ પક્ષો અને હિન્દુ સંગઠનોએ ચીમકી આપી છે કે જો શ્રાઇન બોર્ડના ચેરમેન અને ઉપરાજ્યપાલ તાત્કાલિક હસ્તક્ષેપ નહીં કરે તો આંદોલન વધુ તેજ કરવામાં આવશે.

(5:21 PM IST)