News of Sunday, 23rd November 2025
દિલ્હી બોમ્બ બ્લાસ્ટઃ આતંકવાદીઓની અંદરો અંદર ચાલતી હતી તૂતૂમેમે : ભારે ડરી ગયો હતો ઉમર
પૈસાના કારણે ચાલતી હતી માથાકુટ : આ જ મતભેદોના કારણે અદીલ અહેમદ રાઠેરના લગ્નમાં ઉમર હાજર રહ્યો નહોતો

નવી દિલ્હી : 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટમાં સામેલ હ્યુન્ડાઈ i20 કાર ચલાવનાર ઉમર-ઉન-નબીને લઈને એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોનું કહેવું છે કે, તપાસ એજન્સીઓની કસ્ટડીમાં રહેલા અદીલ અહેમદ રાઠેર સાથે તેના મતભેદ હતા. અદીલે પણ ઉમર સાથે આ બ્લાસ્ટનું ષડયંત્ર ઘડ્યું હતું. જાણવા મળ્યું છે કે આ જ મતભેદોના કારણે અદીલ અહેમદ રાઠેરના લગ્નમાં ઉમર હાજર રહ્યો નહોતો.
હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા કાશ્મીરી ડૉક્ટર ઉમર દિલ્હી કાર બ્લાસ્ટ કેસનો કેન્દ્રબિંદુ બન્યો છે. તે આતંકવાદી સંગઠન ISISની વિચારધારાનું પાલન કરતો હતો, જ્યારે બીજા આરોપીઓ આતંકવાદી સંગઠન અલ-કાયદાની વિચારધારામાં વિશ્વાસ કરતા હતા.
આ કારણે થયો હતો મતભેદ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ISIS અને અલ-કાયદા બંનેના મૂળ સલાફીવાદ અને જેહાદવાદમાં છે, તેમ છતાં તેમની મુખ્ય વિચારધારા હિંસા ફેલાવવાની જ છે. કહેવાય છે કે ઉમર દિલ્હી બ્લાસ્ટની પાછળના ‘સફેદપોશ’ આતંકી મોડ્યુલમાં સૌથી વધુ કટ્ટરપંથી હતો. સૂત્રોએ જણાવ્યું કે, ઉમરે ઓક્ટોબરમાં જમ્મુ-કાશ્મીરના કાઝીગુંડની મુલાકાત લીધી હતી, જેથી સંગઠનના સભ્યો સાથેના મતભેદો ઉકેલી શકાય અને ખાતરી કરી શકાય કે તેઓ અનેક બ્લાસ્ટને અંજામ આપવાના પોતાના મિશનમાં સફળ થઈ શકે. જોકે, આ આતંકવાદીઓમાં વિવાદ ફક્ત વિચારધારાને લઈને જ નહોતો. ઉમરના અન્ય સભ્યો સાથે નાણાકીય બાબતો અને હુમલાને અંજામ આપવાની પદ્ધતિને લઈને પણ મતભેદ હતા.
ઉમર-ઉન-નબીની i20 કારમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટમાં 12 લોકો માર્યા ગયા હતા અને અનેક ઈજાગ્રસ્ત થયા હતા. ઉમરે કથિત રીતે શરૂઆતમાં લાલ કિલ્લાના પાર્કિંગ પાસે બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી, જે એક પર્યટન સ્થળ છે અને તેની બાજુમાં એક મોટી બજાર પણ છે, પરંતુ ‘સફેદપોશ’ આતંકી મોડ્યુલની વ્યાપક તપાસ દરમિયાન તેના સાથીદારો શાહીન સઈદ અને મુઝમ્મિલ શકીલની ધરપકડ બાદ તે ‘ગભરાઈ’ ગયો હતોતે સોમવારે લાલ કિલ્લા પાસે પહોંચ્યો હતો, પણ સોમવારે લાલ કિલ્લો બંધ રહે છે અને જ્યારે તે પાર્કિંગ સ્થળે પહોંચ્યો ત્યારે જોયું કે ત્યાં કોઈ ભીડ નહોતી. પાર્કિંગમાં 3 કલાક રાહ જોયા બાદ તે બહાર નીકળ્યો અને લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસેના એક ટ્રાફિક સિગ્નલ પાસે પોતાની i20 કારમાં ધડાકો કરી દીધો.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
