<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

SIR વરદાનરૂપ બન્યું : 37 વર્ષથી વિખુટા પડેલા પુત્રની મતદાતા સુધારણા કાર્યક્રમને લીધે પરિવારને ભાળ મળી

મતદાર યાદી સુધારણા ઝુંબેશએ માત્ર મતદાર યાદી સુધારી જ નહીં, પરંતુ એક તૂટેલા પરિવારને પણ ફરીથી જોડ્યો.

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં SIRને લીધે એક કમાલ થઈ છે.મતદાતા યાદીમાં સુધારાની પ્રક્રિયાએ આશરે ચાર દાયકાથી પરિવારથી વિખૂટો પડી ગયેલા દીકરાનું પુનઃમિલન થઈ શક્યું છે. ચક્રવર્તી પરિવારે વર્ષ 1988માં તેમના મોટા દીકરા વિવેક ચક્રવતીને ગુમાવી દીધો હો. ઘરેથી નિકળ્યા બાદ તેની કોઈ ભાળ ન હતી.

પરિવારે આટલા લાંબા સમય બાદ તમામ આશા ગુમવી દીધી હતી. પણ SIR અભિયાને તે દરવાજા ખોલી દીધા કે જે 37 વર્ષ અગાઉ બંધ થઈ ગયા હતા.

વિવેકના નાના ભાઈનું નામ પ્રદીપ ચક્રવર્તી છે. તે એ જ વિસ્તારમાં બૂથ લેવલ ઓફિસર (BLO) છે. SIR દરમિયાન દરેક ફોર્મ પર તેનું નામ અને મોબાઇલ નંબર છાપવામાં આવ્યો હતો. વિવેકનો દીકરો કોલકાતામાં રહે છે અને તેને તેના કાકા વિશે કંઈ ખબર ન હતી. તેણે દસ્તાવેજોમાં મદદ માંગવા માટે પ્રદીપને ફોન કર્યો.

શરૂઆતમાં ચર્ચા કાગળકામ વિશે હતી પરંતુ ધીમે ધીમે પરિવાર સાથે સંપર્ક થવા લાગ્યો. પ્રદીપે કહ્યુ કે મારો મોટો ભાઈ છેલ્લે 1988 માં ઘરે આવ્યો હતો. તે ત્યારથી ગુમ છે. અમે દરેક જગ્યાએ શોધ કરી પરંતુ તેણે બધા સંબંધો તોડી નાખ્યા હતા. જ્યારે આ છોકરાના જવાબો ફક્ત અમારા પરિવાર વિશે જ જાણતા હતા તે વસ્તુઓ સાથે મેળ ખાવા લાગી ત્યારે મને સમજાયું કે હું મારા ભત્રીજા સાથે વાત કરી રહ્યો છું.

આમ ચક્રવર્તી પરિવારનો સૌથી મોટો દીકરો કે જે 37 વર્ષથી ગુમ હતો તે મળી આવ્યો. બંને પક્ષે ખુશીનો માહોલ છવાઈ ગયો. ત્યારબાદ પ્રદીપે પોતે વિવેક સાથે વાત કરી. 37 વર્ષના મૌન પછી, બંને ભાઈઓના અવાજ એકબીજા સુધી પહોંચ્યા. ભાવુક થઈને વિવેકે કહ્યું કે આ લાગણીને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. 37 વર્ષના લાંબા સમય પછી, હું આખરે ઘરે પાછો ફરી રહ્યો છું.

મેં ઘરે બધા સાથે વાત કરી છે. હું ચૂંટણી પંચનો આભાર માનું છું, કારણ કે SIR પ્રક્રિયા વગર આ પુનઃમિલન ક્યારેય શક્ય ન હોત. આમ મતદાર યાદી સુધારણા ઝુંબેશએ માત્ર મતદાર યાદી સુધારી જ નહીં, પરંતુ એક તૂટેલા પરિવારને પણ ફરીથી જોડ્યો.

(8:15 PM IST)