<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 'ઓપરેશન સપ્લાય ચેઈન બ્રેક' હેઠળ બે દિવસમાં અધધધ ₹૩.૨૬ કરોડનો દારૂ ઝડપાયો : કચ્છ-મુંદ્રામાં રેલવે દ્વારા ઘૂસાડાતો વિદેશી દારૂનો જથ્થો કબ્જે: જુઓ વિડીયો

પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાના આધારે SMCના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ મુંદ્રામાંથી બે કન્ટેનર ઝડપાયા : પ્રોહિબિશન લીસ્ટેડ બૂટલેગર અનોપસિંહ રાઠોડ સહિત ૬ વોન્ટેડ : પંજાબથી ટ્રેન મારફતે થતી હતી હેરાફેરી

ભૂજ, તા. ૨૪ નવેમ્બર, ૨૦૨૫ : ગુજરાત પોલીસના મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા રાજ્યમાં ગેરકાયદે IMFL (ભારતીય બનાવટના વિદેશી દારૂ) ની મોટાપાયે હેરાફેરી, વેચાણ અને સંગ્રહ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા તથા તેની સપ્લાયર ચેઈનને તોડવા માટે સૂચના આપવામાં આવી હતી. તેના આધારે, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ બે દિવસમાં પશ્ચિમ કચ્છ-ભુજની હદમાંથી બે મોટા કન્ટેનર ઝડપીને કુલ રૂપિયા ૩,૨૬,૧૨,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બે દિવસમાં બે સફળ દરોડા
ડીઆઈજી નિર્લિપ્ત રાયના સીધા સુપરવિઝન હેઠળ અને એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ SMCની ટીમોએ મુંદ્રા વિસ્તારમાં સફળ કેસ શોધી કાઢ્યા છે:
૧. પ્રથમ કેસ (તા. ૨૨/૧૧/૨૦૨૫):
 * સ્થળ: મુંદ્રા નિર્મન કોમ્પલેક્ષ પ્રીસ્ટાઈન પ્રા.લિ. પાસેથી.
 * મુદ્દામાલ: ટાટા કંપનીનું ટ્રેલર વાહન (નંબર RJ-04-GB-1918) સાથે બે કન્ટેનર પકડી પાડવામાં આવ્યા.
 * જથ્થો: ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૧,૭૩૧ બોટલ, જેની કિંમત ₹૧,૫૪,૮૭,૯૦૦/- છે.
 * કુલ કિંમત: અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹૧,૮૨,૪૭,૯૦૦/-.
 * FIR: આ કેસમાં પકડાયેલા બે આરોપીઓ તથા IMFL મંગાવનાર માનકુવા પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશન લીસ્ટેડ બૂટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ (રહે. ભૂજ), અને IMFL મોકલનાર સહિત કુલ ૪ આરોપીઓ વિરુદ્ધ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે.
૨. બીજો કેસ (તા. ૨૩/૧૧/૨૦૨૫):
 * સ્થળ: મુંદ્રા પોર્ટ રેલવે સ્ટેશન, આર.એન.ડી. યાર્ડ, રેલવે બિલ્ડીંગ સામેથી.
 * મુદ્દામાલ: કન્ટેનર નંબર VSBU-2096111 પકડી પાડવામાં આવ્યું.
 * જથ્થો: ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૨,૬૦૦ બોટલ, જેની કિંમત ₹૧,૪૨,૬૪,૪૦૦/- છે.
 * કુલ કિંમત: અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹૧,૪૩,૬૪,૪૦૦/-.
 * FIR: IMFL મોકલનાર તેમજ મંગાવનાર બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સપ્લાયર ચેઈન અને મોડસ ઓપરેન્ડી
SMC દ્વારા બે દિવસની અંદર પશ્ચિમ કચ્છ-ભુજની મુંદ્રા પોલીસ સ્ટેશનની હદમાંથી કુલ ૨૪,૩૩૧ બોટલ (કિંમત ₹૨,૯૭,૫૨,૩૦૦/-) કબ્જે કરવામાં આવી છે.
આ બંને કેસોમાં ઉલ્લેખનીય બાબત એ છે કે, આ IMFL જથ્થો મેસર્સ બાલાજી ટ્રેડીંગ કંપની, ફિરોજપુર, પંજાબ ખાતેથી રેલવેના માધ્યમથી ટ્રેન મારફતે ગુજરાતમાં પ્રવેશ કરાવવામાં આવી રહ્યો હતો. વધુમાં, પકડાયેલા IMFL ના બેચ નંબરના સ્ટીકર અને કોડનો નાશ કરવામાં આવ્યો હતો, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છુપાવવાનો ઈરાદો દર્શાવે છે.

 

(5:14 PM IST)