<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

વૃદ્ધાશ્રમમાં રહેતી જનેતાનો મૃતદેહ સ્‍વીકારવા પણ પુત્રો તૈયાર નહીં

ડીપ ફ્રીઝરમાં રાખો, ૪ દિવસ પછી આવીશું

જૌનપુર,તા.૨૫: ઉત્તર પ્રદેશના જાૈનપુરમાં કળિયુગી પુત્રની નિષ્ઠુરતા જોઈ વૃદ્ધાશ્રમ ચલાવતા લોકો અચંબિત થઈ ગયા. મૂળ ગોરખપુરના શોભાદેવી જૌનપુરના વૃદ્ધાશ્રમ રહેતા હતા. બીમારીના કારણે તેમનું નિધન થયું. જ્‍યારે આ સમાચાર આપવા પુત્રનો સંપર્ક કરાયો તો તેણે જવાબ આપ્‍યો કે મૃતદેહ ચાર દિવસ ડીપ ફ્રીઝરમાં મૂકી દો. અમારા ઘરમાં લગ્ન પ્રસંગ છે. જો મૃતદેહ ઘરમાં લાવીશું તો અપશુકન થશે. લગ્ન થઈ જાય પછી હું આવીશ.

જોકે બાદમાં શોભાદેવીના પતિએ અન્‍ય સગા સંબંધીઓનો સંપર્ક કર્યો અને મૃતદેહ કોઈ ક્રિયા વિના દાટી દેવામાં આવ્‍યો. સગા સંબંધીઓનું કહેવું છે કે ઘરમાં પ્રસંગ સમાપ્ત થઈ જાય પછી મૃતદેહ બહાર કાઢી વિધિ સાથે અંતિમ સંસ્‍કાર કરીશું.

નોંધનીય છે કે ભુઆલ ગુપ્તા કરિયાણાની દુકાન ચલાવતા હતા. તેમના કુલ ત્રણ પુત્ર અને ત્રણ પુત્રીઓ હતી. જોકે પારિવારિક વિવાદ બાદ પુત્રોએ માતા પિતાને ઘરમાંથી કાઢી મૂક્‍યા. પિતા આપઘાત કરવા જઈ રહ્યા હતા જોકે અન્‍ય લોકોએ સમજાવતા બંને વૃદ્ધ પતિ પત્‍ની અયોધ્‍યા અને મથુરામાં ગયા. જોકે ખાવા પીવાની તકલીફ થતાં તેઓ એક વૃદ્ધાશ્રમમાં આશરો લઈને રહેતા હતા.

પત્‍નીના નિધન બાદ વૃદ્ધ પતિએ જ્‍યારે પુત્રોને ફોન કર્યો તો બધા એક બીજા પર જવાબદારી ઢોળવા લાગ્‍યા. મૃતદેહ ગોરખપુર પહોંચ્‍યો તો સૌથી મોટા દીકરાએ તેને જમીનમાં દાટી દીધો અને કહ્યું કે ૪ દિવસ પછી કાઢીને અંતિમ વિધિ કરી દઇશું. નિઃસહાય વૃદ્ધનું કહેવું છે કે ૪ દિવસમાં મારી પત્‍નીના શરીરમાં જીવડા પડી ગયા હશે! 

(10:32 AM IST)