News of Tuesday, 25th November 2025
અરુણાચલની મહિલાને શાંઘાઈ એરપોર્ટ પર ૧૮ કલાક બેસાડી રાખી
ભારતની દીકરીને કેમ રોકીઃ વિદેશ મંત્રાલયે વાંધો ઉઠાવ્યો : ચીની અધિકારીએ તેનો ભારતીય પાસપોર્ટ અમાન્ય ગણાવતા રોકી લીધી અને આવું એટલા માટે કર્યું કેમ કે તેના જન્મસ્થળમાં અરુણાચલ પ્રદેશ, ઇન્ડિયા લખેલું હતું

નવી દિલ્હી,તા.૨૫: શાંઘાઈ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશની રહેવાસી ભારતીય નાગરિકને ૧૮ કલાક સુધી રોકવાની ઘટનાએ ભારત-ચીન સંબંધોમાં નવો તણાવ ઊભો કરી દીધો છે. ભારતે આ મામલાને ન ફક્ત ગંભીરતાથી લીધો, પણ બેઇજિગ અને દિલ્હી બંને જગ્યાએ ચીની અધિકારીઓને સામે કડક કૂટનીતિક વાંધો નોંધાવ્યો. ભારતે મેસેજ આપ્યો છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને ભારતની નાગરિકતા પર સવાલ ઊભા કરવાનો ચીનને અધિકાર નથી.
મહિલાના જણાવ્યા અનુસાર, ચીની અધિકારીએ તેનો ભારતીય પાસપોર્ટ અમાન્ય ગણાવતા રોકી લીધી અને આવું એટલા માટે કર્યું કેમ કે તેના જન્મસ્થળમાં અરુણાચલ પ્રદેશ, ઇન્ડિયા લખેલું હતું. ભારતીય વાણિજ્ય દૂતાવાસે તરત હસ્તક્ષેપ કર્યો અને તેને મદદ પહોંચાડી. પણ આ ઘટનાએ કેટલાય મોટા સવાલો ઊભા કરી દીધા છે. શું ચીન હવે ભારતીય નાગરિકોની ઓળખ પર પણ રાજનીતિ કરશે? શું આ એ જ દેશ છે, જે દુનિયાના નિયમોનું પાલન શીખવાડવાની વાત કરે છે?
ભારતે પોતાના મેસેજમાં સ્પષ્ટ કર્યું છે કે, પેસેન્જરને કારણવગર અને રાજનીતિક કારણોથી રોકવામાં આવી. અરુણાચલ પ્રદેશ પર ચીનનો દાવો ન તો કાનૂની છે, ન ઐતિહાસિક. અરુણાચલના રહેવાસી ભારતીય પાસપોર્ટ પર યાત્રા કરવા માટે સંપૂર્ણપણે હકદાર છે. ચીનની આ હરકત શિકાગો કન્વેન્શન અને મોન્ટ્રિયલ કન્વેન્શનનું ડાયરેક્ટ ઉલ્લંઘન છે. જેમાં નાગરિક ઉડ્ડયનને રાજનીતિક વિવાદોથી દૂર રાખવાની સ્પષ્ટ જોગવાઈઓ કરેલી છે.
ભારતે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે આવા સમયે જ્યારે બંને દેશોની વચ્ચે સરહદી તણાવ ઘટાડવા માટે વાતચીત ચાલી રહી છે. ચીની અધિકારીઓનું આ વલણ સંબંધોને સામાન્ય કરવાની પ્રક્રિયામાં બિનજરૂરી અડચણો ઊભી કરે છે. મહિલા લંડનથી જાપાન જઈ રહી હતી અને ટ્રાન્ઝિટમાં હતી. એટલે કે તે ચીનમાં પ્રવેશ પણ નહોતી કરી રહી. તેમ છતાં તેને ૧૮ કલાક ધરપકડમાં રાખી. સવાલ-જવાબ કર્યા. પાસપોર્ટ લઈને બેસાડી અને નવી ટિકિટ ખરીદવાનું પ્રેશર કર્યું. આ બધું ચીનની એ જૂની રણનીતિનો ભાગ દેખાડે છે, જેમાં તે દરેક મંચ પર અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબ્બત ગણાવીને ભ્રમ ફેલાવવાની કોશિશ કરે છે.
આ વખતે ચીનની આ હરકત ડાયરેક્ટ એક ભારતીય નાગરિકની સંપ્રભુ ઓળખ પર હુમલો બની ગઈ. ભારતની કડક પ્રતિક્રિયા ચીનને એ યાદ અપાવે છે કે પાસપોર્ટ અને નાગરિકતાનો અધિકાર કોઈ મનમાનીનો વિષય નથી હોતો, આ આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા સંરક્ષિત છે. ભારતે પોતાનો વાંધો નોંધાવી ચીનને કડક સંદેશ આપ્યો છે કે અરુણાચલ ભારતનું હતું છે અને હંમેશા રહેશે. ચીન ભલે ગમે તેટલા રાજકીય કાવાદાવા રમે, ભારતીય નાગરિકોના અધિકાર પર કોઈ સમાધાન નહીં થાય.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
