News of Tuesday, 25th November 2025
સદીઓની વેદનાને આજે વિરામઃ ભારતીય સભ્યતાના પુર્નજાગરણનો ધ્વજ લહેરાયો
રામમંદિરના શિખર પરના ધ્વાજારોહણને વડાપ્રધાન મોદીએ ઐતિહાસિક ક્ષણ ગણાવીઃ સદીઓ જુના સંકલ્પની પૂર્તિ પર અપાર આનંદ વ્યકત કર્યો : આ પ્રસંગને ૫૦૦ વર્ષ સુધી પ્રજ્વલિત રહેલા યજ્ઞના અંતિમ પ્રસાદ તરીકે વર્ણવ્યો

નવી દિલ્હી, તા.૨૫: અયોધ્યામાં રામ મંદિરના ગગનચુંબી શિખર પર ભવ્ય ધર્મધ્વજ ફરકાવવામાં આવ્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ ધ્વજ ફક્ત એક ધાર્મિક પ્રતીક નથી, પરંતુ ભારતીય સભ્યતાના પુનર્જાગરણનો ધ્વજ છે. RSS વડા મોહન ભાગવતની હાજરીમાં, પીએમ મોદીએ રામ લલ્લાના દર્શન કર્યા અને સદીઓ જૂના સંકલ્પની પૂર્તિ પર અપાર આનંદ વ્યક્ત કર્યો. તેમણે આ પ્રસંગને ૫૦૦ વર્ષ સુધી પ્રજ્વલિત રહેલા યજ્ઞના અંતિમ પ્રસાદ તરીકે વર્ણવ્યો, જેણે સદીઓથી ચાલતા ઘાને રૂઝવ્યા છે અને રામ ભક્તોના હૃદયમાં અસીમ સંતોષ તથા અલૌકિક આનંદ ભર્યો છે.
પીએમ મોદીએ ધ્વજના પ્રતીકવાદ પર પ્રકાશ પાડતા કહ્યું કે તેનો ભગવો રંગ, તેના પર અંકિત સૂર્યવંશનો વારસો અને રામરાજ્યનો મહિમા સ્થાપિત કરે છે. આ ધ્વજ એક પ્રતિજ્ઞા છે, સદીઓ જૂના સંઘર્ષની સિદ્ધિની ગાથા છે, અને તે જીવન ભલે ખોવાઈ જાય પણ વચન તૂટવું ન જોઈએની પ્રેરણા આપે છે. રામના આદર્શોને સમજાવતા તેમણે કહ્યું કે રામનો અર્થ છે લોકોની ખુશીને અન્ય તમામ બાબતોથી ઉપર રાખવી. આ સંદર્ભમાં, તેમણે ભારતના મૂળમાંથી વિદાયનો પાયો નાખનાર ૧૮૩૫ની મેકોલેની ઘટનાનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ હાકલ કરી કે ૨૦૩૫ સુધીમાં, જ્યારે આ ઘટનાને ૨૦૦ વર્ષ પૂર્ણ થશે, ત્યારે ગુલામીની માનસિકતાને સંપૂર્ણપણે બદલવાનો લક્ષ્યાંક નક્કી કરવો પડશે, જેણે રામના મૂળ સારને નકારી કાઢયો હતો.
રામ મંદિર પરિસરને ભારતની સામૂહિક શક્તિનું ચેતના કેન્દ્ર ગણાવતા, વડાપ્રધાને તેના સર્વસમાવેશક માળખાની પ્રશંસા કરી. મંદિરમાં આદિવાસી સમાજના પ્રેમનું પ્રતીક માતા શબરીનું મંદિર, નિષાદરાજનું મંદિર અને મહર્ષિ વાલ્મીકિ, વશિષ્ઠ વગેરે જેવા ઋષિઓના મંદિરો બનાવવામાં આવ્યા છે. આ મંદિરો એ સંદેશ આપે છે કે રામ ભેદભાવથી નહીં, પણ ભાવનાથી આપણી સાથે જોડાય છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે રામ માટે ભક્તિ, મૂલ્યો અને સહકારનું મહત્વ છે, વંશ કે શક્તિનું નહીં. અહીં ઊભી કરાયેલી જટાયુ અને ખિસકોલીની મૂર્તિઓ દ્વારા તેમણે સમજાવ્યું કે મોટા સંકલ્પોની સિદ્ધિ માટે દરેક નાના પ્રયાસનું પણ મોટું મહત્વ હોય છે, જે સામૂહિક પ્રયાસની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
આ ઐતિહાસિક પળ ભારતના ભવિષ્ય માટે એક સ્પષ્ટ દિશા નક્કી કરે છે, અને આ સંબોધન બાદ, રામ મંદિર ટ્રસ્ટ અને સરકારે સાંસ્કળતિક જતન અને વિકાસની યોજનાઓને વધુ વેગ આપ્યો છે. મેકોલેની માનસિકતાને દૂર કરવાના દસ વર્ષના લક્ષ્યાંકને પગલે, શિક્ષણ અને સામાજિક સ્તરે ભારતીય જ્ઞાન પરંપરા અને મૂલ્યોને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો તેજ થયા છે. રામ મંદિર હવે માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ આગામી એક હજાર વર્ષ માટે ભારતીય સભ્યતાનો પાયો મજબૂત કરવાનું એક પ્રેરણા કેન્દ્ર બની ગયું છે. રામ રાજ્યના આદર્શ પર ચાલતા, સમાજના દરેક વર્ગ, ખાસ કરીને મહિલાઓ, દલિતો અને આદિવાસીઓને વિકાસના કેન્દ્રમાં રાખીને નીતિઓનું વધુ અસરકારક અમલીકરણ એ આ ભવ્ય સાંસ્કળતિક પુનર્જાગરણની સાચી અનુવર્તી કાર્યવાહી રહેશે, જે અયોધ્યાને વિશ્વમાં સભ્યતાના દીવાદાંડી તરીકે સ્થાપિત કરશે. (રર.૧૨)
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
