<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

ટ્રમ્‍પ જિનપિંગનું આમંત્રણ સ્‍વીકારી એપ્રિલમાં ચીન જશે

ચીનના પ્રમુખને આવતાં વર્ષે યુએસની મુલાકાત લેવા ટ્રમ્‍પનું નિમંત્રણ : જિનપિંગ સાથે ફોન પર વાત કર્યા બાદ ટ્રમ્‍પની ચીન સાથે સંબંધો મજબૂત હોવાની જાહેરાત

વોશીંગ્‍ટન,તા.૨૬: સોમવારે સવારે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે ટેલિફોન પર વાત કર્યા પછી થોડાં કલાકો બાદ યુએસના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જણાવ્‍યું હતું કે ચીનના નેતાનું એપ્રિલમાં બિજિગની મુલાકાત લેવાનું આમંત્રણ મેં સ્‍વીકાર્યું છે અને આવતા વર્ષેના ઉત્તરાર્ધમાં યુએસની સત્તાવાર મુલાકાત લેવાનું શી જિનપિંગને વળતું આમંત્રણ આપ્‍યું છે. ટ્રમ્‍પે તેમની લાક્ષણિક શૈલીમાં જણાવ્‍યું હતું કે ચીન સાથે આપણો સંબંધ એકદમ મજબૂત છે. જો કે, ચીને જિનપિંગની યુએસ મુલાકાત બાબતે કશો ઉલ્‍લેખ કર્યો નહોતો અને એટલું જ જણાવ્‍યું હતું કે બંને નેતાઓએ વેપાર, તાઇવાન અને યુક્રેન મુદ્દે વાતચીત કરી હતી.

રસપ્રદ બાબત એ છે કે ચીન સામે જાતજાતના હુંકાર કરતાં ટ્રમ્‍પનો સુર બુસાનમાં જિનપિંગ સાથે મંત્રણા થયા બાદ બદલાઇ ગયો છે. ટ્રમ્‍પે જણાવ્‍યું હતું કે તેમણે શી જિનપિંગ સાથે ફેન્‍ટાઇલ તસ્‍કરી, સોયાબિન્‍સ અને અન્‍ય ખેતપેદાશો વિશે સોદો કરવાની વાત કરી હતી. અમે આપણાં ખેડૂતો માટે મહત્‍વનો સોદો કર્યો છે. બુસાનમાં થયેલી મુલાકાત બાદ બંને પક્ષે કરારને સુસંગત રાખવા માટે મહત્‍વની પ્રગતિ કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે પણ જણાવ્‍યું હતું કે બુસાનમાં થયેલી મુલાકાત બાદ બંને પક્ષોએ વધારે હકારાત્‍મક પ્રગતિ કરવાની દિશામાં કામ કરવું જોઈએ. જો કે, આ નિવેદનમાં અમેરિકન સોયાબિન્‍સ ખરીદવા બાબતે કોઈ કરાર થયો હોવાનો ઉલ્‍લેખ કરાયો નહોતો.

(9:55 AM IST)