News of Saturday, 29th November 2025
ટિકિટ મુદ્દે તકરારમાં TTEએ ટ્રેનમાંથી નેવી ઓફિસરનાં પત્નીને ધક્કો મારી દીધોઃ મોત
દિલ્હી સારવાર માટે જતાં ઉતાવળમાં રિઝર્વેશન કરાવેલું હોવાથી બીજી ટ્રેનમાં બેસી ગયાં હતાં

ઈટાવા,તા.૨૯: ઉત્તરપ્રદેશના ઇટાવામાં થોડાક દિવસ પહેલાં રેલવે ટ્રેક પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના સામાન્ય બનાવ હતો, પરંતુ હવે એ ઘટનાનું સત્ય ઉજાગર થયું છે અને તે ખૂબ જ ચોંકાવનારું છે. નેવી ઓફિસરનાં પત્નીના સંદિગ્ધ મૃત્યુ બાબતમાં જીઆરપી સ્ટેશનમાં ટીટીઈ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપ છે કે તકરાર થતાં ગુસ્સે થઈ ગયેલા ટીટીઈએ મહિલાને ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો.
હકીકતમાં, બુધવારે સામ્હો-ભરથાના રેલવે વિભાગમાં પાટાની બાજુમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને સામાન્ય દુર્ઘટના માનવામાં આવી રહી હતી. પરંતુ, બાદમાં જ્યારે બનાવની તપાસ શરૂ થઈ તો ચોંકાવનારું સત્ય ઉજાગર થયું છે. મૃતક મહિલા કાનપુરના ભોગનીપુરના અહરૌલીશેખનાં નિવાસી ૩૨ વર્ષીય આરતી યાદવ તરીકે ઓળખાયાં હતાં. તેમના પતિ અજય યાદવ નૌસેનામાં મુંબઈમાં તહેનાત છે, પરંતુ અત્યારે સ્પેશિયલ ટ્રેનિગ માટે ચેન્નાઈમાં છે.
પતિના કહેવાથી તેઓ સારવાર માટે એકલાં દિલ્હી જતાં હતાં. તેઓ અગાઉ પણ એકલા અવારનવાર દિલ્હી જતાં હતાં. પરંતુ આ વખતે તેઓ ઉતાવળમાં પટના-આનંદવિહાર સ્પેશિયલ ટ્રેનમાં બેસી ગયાં, જ્યારે તેમનું રિઝર્વેશન બીજી ટ્રેનમાં હતું. આ ટ્રેનમાં ટીટીઇ સંતોષ ટિકિટ ચેક કરવા ગયા હતા એ દરમિયાન આરતી યાદવ સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતની ફરિયાદ ટ્રેનમાં હાજર લોકોએ રેલવેને કરી હતી. ટિકિટ વિવાદ એટલો વધી ગયો કે ટીટીઈએ ગુસ્સામાં આરતી યાદવને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો, તેવો પરિવારજનોએ આરોપ કર્યો છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
