<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્‍ટ કરનારાઓ સામે ઇન્‍કમટેક્‍સ વિભાગની લાલઆંખ

રિવોર્ડ પોઈન્‍ટ મેળવવા માટે અન્‍યના પેમેન્‍ટ પોતાના ક્રેડિટ કાર્ડથી કરનારા કરદાતાઓ સામે આવકવેરા ખાતું પગલાં લેશેઃ વાર્ષિક આવક કરતા ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધી જાય તો ફસાઈ જશો : આવકવેરા ખાતા તરફથી આ સંદર્ભમાં નોટિસ મળે તો દરેક વહેવારની વિગતો અલગ અલગ દર્શાવી દો, માહિતી ન છુપાવો

નવી દિલ્‍હી,તા.૨૯: રીવોર્ડ પોઈન્‍ટ મેળવવા માટે અન્‍યના ખર્ચના પેમન્‍ટ પોતાના ક્રેડિટ કાર્ડથી કરનારાઓને માથે ઇન્‍કમટેક્‍સ વિભાગની તવાઈ આવી રહી છે. તેમની આવક કરતાં ખર્ચ વધી જતાં હોવાના કેસમાં તેમણે આવક કરતાં ખર્ચ વધી જતો હોવાથી નોટિસ આપવામાં આવી રહી છે. તેમણે ક્રેડિટ કાર્ડના વહેવારો આવકવેરાના રિટર્નમાં દર્શાવ્‍યા જ ન હોવાથી જાહેર ન કરેલી આવક ગણી લઈને તેમને નોટિસો આપવામાં આવી રહી છે. ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરીને રિવોર્ડ પોઈન્‍ટ કે કેશબેક કમાવાની વૃત્તિ ધરાવનારાઓને આ પ્રકારની નોટિસો મળી રહી છે.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરદાતાઓ કોઈ હાઉસ રેન્‍ટ એલાવન્‍સ ક્‍લેઈમ કરી શકે તે માટે ક્રેડિટ કાર્ડથી પેમેન્‍ટ કરવામાં આવે છે. એન્‍યુઅલ ઇન્‍ફોર્મેશન સિસ્‍ટમમાં નાણાંકીય વહેવારોની વિગતો પકડી પાડવાની સિસ્‍ટમ ખૂબ મજબૂત થઈ છે. આવકવેરા વિભાગ પેમેન્‍ટની આ પેટર્ન ઝડપથી ઓળખી શકે છે.

આવકવેરા અધિકારીઓ આ ખર્ચને જાહેર ન કરેલા ખર્ચ તરીકે ઓળખાવીને તેને પર ટેક્‍સ ડિમાન્‍ડ કાઢે છે. આવકવેરા ધારાની કલમ ૨૭૦-એની જોગવાઈ હેઠળ જાહેર ન કરેલી આવક માટે ૫૦ ટકાનો દંડ પણ કરવામાં આવે છે. આવકવેરા ખાતું તેને ગંભીર ગુનો ગણી લઈને તેના પર ૨૦૦ ટકા સુધીનો દંડ પણ કરે છે. ક્રેડિટ કાર્ડથી બીજા માટે કરેલા પેમેન્‍ટ થકી કમાયેલા રીવોર્ડ પોઈન્‍ટના નાણાં પણ આવકવેરા ખાતું જપ્ત કરી લે છે.

રિવોર્ડ પોઈન્‍ટ કમાવા માટે લોકો ક્રેડિટ કાર્ડથી બીજા માટે પેમેન્‍ટ કરવા તરફ વળ્‍યા છે. નકલી ભાડું એટલે કે માત્ર હાઉસ રેન્‍ટ એલાવન્‍સ ક્‍લેઈમ કરવા માટે મિત્રો કે સગાને ભાડું ચૂકવવા માટે કાર્ડનો ઉપયોગ કરનારાઓ ફસાય છે. આ પ્રકારના કેસોમાં આવકવેરા વિભાગ કલમ ૬૯ભ (જાહેર ન કરેલો ખર્ચ) અથવા કલમ  ૬૯/૬૯છ-જાહેર ન કરેલી આવકની જોગવાઈ કરદાતા સામે લાગુ કરે છે.

અન્‍યો માટે પેમેન્‍ટ કરનારની વાસ્‍તવિક આવક કરતાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધી જાય તો તેને જાહેર ન કરેલી આવક ગણી લેવામાં આવે છે. આકારણી કરતી વખતે આ ખર્ચને જાહેર ન કરેલી આવક ગણી લેવામાં આવે છે. તેના પર ટેક્‍સ ડિમાન્‍ડ ઊભી કરી દેવામાં આવે છે. આવકવેરા અધિકારીને લાગે કે ખર્ચ ખોટો બતાવવામાં આવ્‍યો છે તો આવકવેરામાંથી હાઉસ રેન્‍ટ એલાવન્‍સનો ખર્ચ બાદ મળતો અટકી જાય છે અને તેના પર ટેક્‍સનો બોજો વધી જાય છે. કંપનીના ડિરેક્‍ટર કે કન્‍સલ્‍ટન્‍ટ કંપનીનાં ખર્ચ વ્‍યક્‍તિગત કાર્ડથી ચૂકવે છે અને રિમ્‍બર્સમેન્‍ટ લે છે. તેમાં રિવોર્ડ કેશબેક મોટી રકમનું આવે તો તેવા સંજોગોમાં આવકવેરા ધારાની કલમ ૨૮(પ) હેઠળ તે આવકને બિઝનેસ ઇન્‍કમ તરીકે ગણાવી શકાય છે.

ક્રેડિટ કાર્ડનો વપરાશ કરનાર ઇન્‍કમટેક્‍સ રિટર્નમાં તેની વાર્ષિક આવક રૃ. ૫થી ૬ લાખ બતાવતો હોય અને તેણે ક્રેડિટ કાર્ડથી કરેલો ખર્ચ રૂ.૧૦ થી ૧૫ લાખનો થઈ જાય તો કરદાતાને કલમ ૧૪૨(૧) અને કલમ ૧૪૮-એ હેઠળ નોટિસ પાઠવી દેવામાં આવે છે. રીવોર્ડ પોઈન્‍ટ કે કેશબેક પર ટેક્‍સ લગાડવાની સીધી કોઈ જ જોગવાઈ કરવામાં આવેલી નથી. સામાન્‍ય રીતે તેને વેરામુક્‍ત ડિસ્‍કાઉન્‍ટ ગણી લેવામાં આવે છે. છતાં કેશબેકની રકમ સીધી બેન્‍કમા જમા થાય અને રકમ મોટી હોય તો તેના પર ટેક્‍સની જવાબદારી આવી શકે છે. બીજી કોઈ વ્‍યક્‍તિ માટે કરેલા ખર્ચ પર રિવોર્ડ પોઈન્‍ટ મળે તો તેના પર પણ ટેક્‍સ લાગી શકે છે. કોઈના વતી ભાડું ચૂકવ્‍યું હોવાનો માત્ર દેખાવ જ કરવા માટે ક્રેડિટકાર્ડથી પેમેન્‍ટ કરવામાં આવ્‍યું હોય તો તેવા સંજોગોમાં તેના થકી થયેલી આવક પર ટેક્‍સ લાગી શકે છે.

(10:40 AM IST)