<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

TRPને નામે દર્શકોને મૂર્ખ બનાવવાનો ખેલઃ રૂ.૧૦૦ કરોડનું કૌભાંડ

મનમાની રેટિંગના ખેલ પર લગામની તૈયારી

નવી દિલ્‍હી,તા.૨૯: કેરળમાં TRPને નામે દર્શકોની આંખોમાં ધૂળ ઝોકવાની ઘટના સામે આવી છે. ટીવી રેટિગ વધારવા માટે એક મોટા સ્‍કેમનો પર્દાફાશ થયો છે. આ સ્‍કેમમાં કેરળની એક ટીવી ચેનલના માલિક સાથે BARCનો કર્મચારી પણ સામેલ હતો. કેરળમાં TRP હેરાફેરીનો મોટો કિસ્‍સો બહાર આવ્‍યો છે, જેમાં ૧૦૦ કરોડના TRP સ્‍કેમનો ખુલાસો થયો છે. તેમાં કેરળ ટીવી ચેનલના માલિક અને BARC કર્મચારી વચ્‍ચે સાઠગાંઠ હોવાનું બહાર આવ્‍યું છે.

આ તપાસમાં ખૂલ્‍યું છે કે BARCનો કર્મચારી પૈસા લઈ રેટિંગ મીટર્સની માહિતી આપી દેતો હતો. મીટર આવેલા વિસ્‍તારોમાં તે ચેનલને લેન્‍ડિંગ પેજ પર બતાવવામાં આવતું હતું. આથી ચેનલનું રેટિગ વધતું અને રેટિગ વધારીને જાહેરાતો મેળવવાનો ખેલ ચાલુ હતો. કેરળ પોલીસે તપાસમાં પુરાવા પણ મેળવ્‍યા છે. કેરળ પોલીસે જણાવ્‍યું છે કે આ ૧૦૦ કરોડ રૂપિયાનું સ્‍કેમ છે.

આ સ્‍કેમમાં વોટ્‍સએપ ચેટ અને ક્રિપ્‍ટોની મદદથી પૈસા લેવામાં આવ્‍યા હોવાની પણ માહિતી સામે આવી છે. કેરળ ટેલીવિઝન ફેડરેશને તેની ફરિયાદ કરી હતી. ટીવી જાહેરાત ઉદ્યોગ લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો છે. મલેશિયા અને થાઈલેન્‍ડમાં ફોન ફાર્મિગનો કેસ પણ સામે આવ્‍યો છે. ફોન ફાર્મિગ દ્વારા યુટ્‍યુબના વ્‍યૂઝ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.

મનમાની રેટિંગને રોકવા માટે સરકારે રેટિગ સિસ્‍ટમમાં સુધારા માટે ડ્રાફટ જાહેર કર્યો છે. તેમાં એજન્‍સીને ઓછામાં ઓછા ૧,૨૦,૦૦૦ મીટર લગાવવાનાં રહેશે. લેન્‍ડિંગ પેજનું રેટિંગ માન્‍ય ગણાશે નહીં. કોઈ પણ બ્રોડકાસ્‍ટર રેટિગ એજન્‍સીમાં ૨૦ ટકાથી વધુ હિસ્‍સેદારી રાખી શકશે નહીં. આ અંગે સરકારે ઈન્‍ડસ્‍ટ્રી પાસેથી ૫ ડિસેમ્‍બર સુધી સૂચનો માગ્‍યાં છે.

(10:45 AM IST)