<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ગાઝામાં હૃદયદ્રાવક ઘટના: વર્ષોની પ્રતિક્ષા બાદ સામટા જન્મેલાં ૫ બાળકો અને માતા-પિતાનું ઈઝરાયેલના હુમલામાં મોત, આખો પરિવાર ખતમ

આ પાંચ જોડિયા બાળકોના મૃત્યુની ઘટનાએ યુદ્ધની ભયાનકતા અને સામાન્ય નાગરિકો પર તેની અસરને ફરી એકવાર વિશ્વ સમક્ષ ઉજાગર કરી:એક સમયે જે ઘરમાં પાંચ બાળકોના કિલકિલાટ ગુંજતા હતા, ત્યાં હવે માત્ર કાટમાળ અને ભયાનક શાંતિ પ્રસરી ગઈ

ગાઝા પટ્ટી પર છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા એક હવાઈ હુમલામાં એક જ પરિવારના ૭ સભ્યોના કરુણ મોત થયા છે. આ હુમલામાં ૧૫ વર્ષીય પાંચ જોડિયા (એક સાથે જન્મેલા ૫ બાળકો - જ્યારે કોઈ માતા એક જ પ્રસૂતિ - ડિલિવરી દરમિયાન પાંચ બાળકોને જન્મ આપે છે, ત્યારે તે પાંચેય બાળકોને સામૂહિક રીતે અંગ્રેજીમાં 'ક્વિન્ટપ્લેટ્સ' કહેવામાં આવે છે) ભાઈ-બહેનો અને તેમના માતા-પિતાનું એકસાથે મૃત્યુ થતાં આખો પરિવાર સિવિલ રજિસ્ટ્રીમાંથી કાયમ માટે ભૂંસાઈ ગયો છે.
ગાઝાથી પ્રાપ્ત અહેવાલો મુજબ, ઈઝરાયેલી સેનાના બોમ્બમારોમાં જે પરિવારનો ખાતમો બોલી ગયો છે તેમાં પાંચ બાળકો એવા હતા જેઓ એકસાથે જન્મ્યા હતા. આ પાંચેય ભાઈ-બહેનોની ઉંમર ૧૫ વર્ષની હતી. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આ બાળકોના માતા-પિતાએ લગ્ન પછી સંતાન પ્રાપ્તિ માટે વર્ષો સુધી રાહ જોઈ હતી અને લાંબી પ્રતિક્ષા બાદ તેમના ઘરે એકસાથે પાંચ બાળકોનો જન્મ થયો હતો. આ બાળકો તેમના વિસ્તારમાં અભ્યાસમાં પણ ખૂબ તેજસ્વી હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જાણીતા હતા.
છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા સંઘર્ષમાં ગાઝાના અનેક પરિવારો વિખેરાઈ ગયા છે, પરંતુ આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. હુમલો એટલો ભયાનક હતો કે પરિવારમાંથી એક પણ સભ્ય જીવિત બચી શક્યો નથી. સરકારી દફતરો કે સિવિલ રજિસ્ટ્રીમાં હવે આ પરિવારનું નામ નિશાન રહ્યું નથી, કારણ કે વંશવેલો આગળ વધારનાર કોઈ બચ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલી આક્રમણમાં અત્યાર સુધીમાં હજારો નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મોટી સંખ્યા બાળકો અને મહિલાઓની છે. આ પાંચ જોડિયા બાળકોના મૃત્યુની ઘટનાએ યુદ્ધની ભયાનકતા અને સામાન્ય નાગરિકો પર તેની અસરને ફરી એકવાર વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે. એક સમયે જે ઘરમાં પાંચ બાળકોના કિલકિલાટ ગુંજતા હતા, ત્યાં હવે માત્ર કાટમાળ અને શાંતિ પ્રસરી ગઈ છે.

(7:46 PM IST)