<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

ગુજરાત-મહારાષ્ટ્રમાં DGGIનું મોટું ઓપરેશન: 800 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું:ચાર માસ્ટર માઈન્ડની ધરપકડ

જૂનાગઢના ભારત સેનેટરીના માલિક હાર્દિક રાવલ અને જામનગરના પટેલ મેટલ ક્રાફ્ટ LLPના જયદીપ વિરાણીની પણ ધરપકડ

નવી દિલ્હી :ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક શહેરોમાં મોટું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આશરે 800 કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા કુલ ચાર માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી છે.

   DGGI દ્વારા કરચોરીના 3 મોટા કેસોમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં AH એન્જિનિયરિંગના નામે 550 કરોડનું બોગસ બિલિંગ કરીને કરચોરી આચરવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય આરોપીઓ બદ્રે આલમ પઠાણ અને તૌફિક ખાનની ધરપકડ કરવામાં આવી છે. તૌફિક ખાને 45 કરોડના ડુપ્લીકેટ બિલ ખરીદીને 9 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી હતી.

અન્ય કેસમાં જૂનાગઢના ભારત સેનેટરીના માલિક હાર્દિક સંજયભાઈ રાવલની ધરપકડ કરવામાં આવી છે. હાર્દિકે 110.57 કરોડના ડુપ્લીકેટ બિલથી 28.02 કરોડની ITC મેળવી હતી. જામનગરના પટેલ મેટલ ક્રાફ્ટ LLPના જયદીપ મુકેશભાઈ વિરાણીની પણ ધરપકડ થઈ છે. જયદીપે 121 કરોડના ડુપ્લીકેટ બિલથી 22 કરોડની ITCનો લાભ લીધો હતો. આરોપીઓએ નકલી દસ્તાવેજોના આધારે અનેક શેલ કંપનીઓ ઊભી કરીને આ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. મુંબઈ, ચંદ્રપુર, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ સહિતના શહેરોમાં તપાસ દરમિયાન આ ગેરરીતિઓ સામે આવી હતી.

(12:47 AM IST)