News of Sunday, 30th November 2025
અમેરિકામાં ભારે ખળભળાટ: કોરોના વેક્સિન લીધા બાદ ૧૦ બાળકોના મોત થયાનો ખુદ એફડીએના જ રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
વેક્સિન લીધા બાદ બાળકોના હૃદયમાં સોજો આવી જવાથી આ મોત થયા હોવાનું તારણ સામે આવતા વાલીઓમાં ફફડાટ અને તબીબી જગતમાં ભારે ચર્ચા જાગી

અમેરિકાની સર્વોચ્ચ સ્વાસ્થ્ય સંસ્થા 'એફડીએ' ના એક આંતરિક રિપોર્ટમાં ધડાકો કરવામાં આવ્યો છે કે કોરોના વેક્સિનની આડઅસરને કારણે અમેરિકામાં ૧૦ બાળકોએ જીવ ગુમાવ્યા છે. વેક્સિન લીધા બાદ બાળકોના હૃદયમાં સોજો આવી જવાથી આ મોત થયા હોવાનું તારણ સામે આવતા વાલીઓમાં ફફડાટ અને તબીબી જગતમાં ભારે ચર્ચા જાગી છે.
વિશ્વભરમાં કોરોના વેક્સિનની સુરક્ષાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અમેરિકાથી આવેલા એક સમાચારે ભારે હોબાળો મચાવ્યો છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) ના એક કોન્ફિડેન્શિયલ (ખાનગી) મેમોમાં સ્વીકારવામાં આવ્યું છે કે કોવિડ-૧૯ વેક્સિન લીધા બાદ ૧૦ બાળકોના મૃત્યુ થયા છે. આ રિપોર્ટ બહાર આવતાની સાથે જ અમેરિકાની સ્વાસ્થ્ય વ્યવસ્થા અને વેક્સિનની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
આ સનસનીખેજ રિપોર્ટ એફડીએના ચીફ મેડિકલ ઓફિસર વિનય પ્રસાદ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. દસ્તાવેજમાં ઉલ્લેખ છે કે આ ૧૦ બાળકોના મોત પાછળનું મુખ્ય કારણ 'માયોકાર્ડિટિસ' હોઈ શકે છે.
માયોકાર્ડિટિસ એ હૃદયના સ્નાયુઓમાં આવતો સોજો છે, જે વેક્સિનની દુર્લભ આડઅસર તરીકે ઓળખાય છે. જોકે, રિપોર્ટમાં મૃત્યુ પામેલા બાળકોની ઉંમર કે તેઓને કઈ કંપનીની વેક્સિન આપવામાં આવી હતી તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
અત્યાર સુધી અમેરિકન સરકાર અને સ્વાસ્થ્ય એજન્સીઓ બાળકો માટે કોરોના વેક્સિનને સંપૂર્ણ સુરક્ષિત ગણાવતી હતી, પરંતુ આ આંતરિક રિપોર્ટ બહાર આવતા દાવાઓ પોકળ સાબિત થયા છે. આ ખુલાસા બાદ એફડીએ કમિશનરે પણ આ બાબતની પુષ્ટિ કરી હોવાના અહેવાલો છે અને હવે વેક્સિન મંજૂરીના નિયમો વધુ કડક બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ભવિષ્યમાં વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન તમામ વર્ગો પર તેના પરીક્ષણો ફરજિયાત કરવામાં આવશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
આ સમાચાર વાયુવેગે ફેલાતા જ અમેરિકા સહિત વિશ્વભરના વાલીઓમાં પોતાના બાળકોની સુરક્ષાને લઈને નવી ચિંતા ઉભી થઈ છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
