<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

ભારતીય કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક હરણફાળ: અનાજ ઉત્પાદન ૩૫૭ મિલિયન ટનને પાર: ૧૦ વર્ષમાં ૧૦૦ મિલિયન ટનનો વિક્રમી વધારો: ભારતે અનાજ ઉત્પાદનમાં તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે: નરેન્દ્રભાઈ

એક સમયે અનાજની અછતનો સામનો કરનાર ભારત આજે વિશ્વના અનેક દેશોની અન્ન સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે: ઐતિહાસિક સિદ્ધિ બદલ નરેન્દ્રભાઈએ દેશના તમામ ખેડૂતોને અભિનંદન પાઠવ્યા: ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પણ આહ્વાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે 'મન કી બાત'ના ૧૨૮મા એપિસોડમાં દેશના કિસાનોની મહેનતને બિરદાવતા જાહેરાત કરી છે કે ભારતે અનાજ ઉત્પાદનમાં તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશે ૩૫૭ મિલિયન ટન અનાજનું ઉત્પાદન કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે, જે છેલ્લા એક દાયકામાં થયેલી કૃષિ ક્રાંતિની સાક્ષી પૂરે છે.

વડાપ્રધાન શ્રી મોદીએ આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ની ૧૨૮મી કડીમાં દેશવાસીઓને સંબોધિત કરતા કૃષિ ક્ષેત્રે ભારતની અભૂતપૂર્વ સિદ્ધિઓની વાત કરી હતી. વડાપ્રધાને ગર્વ સાથે જણાવ્યું હતું કે ભારતના અન્નદાતાઓએ પોતાની મહેનત અને આધુનિક ખેતી પદ્ધતિઓના સમન્વયથી કૃષિ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચ્યો છે.

પીએમ મોદીએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતે અનાજ ઉત્પાદનમાં ૩૫૭ મિલિયન ટનનો જંગી આંકડો સ્પર્શ કર્યો છે. આ સિદ્ધિ માત્ર એક આંકડો નથી પરંતુ ભારતીય કૃષિ ક્ષેત્રની મજબૂતીનું પ્રમાણ છે.

વડાપ્રધાનશ્રીએ આજના ઉત્પાદનની સરખામણી ૧૦ વર્ષ પહેલાની સ્થિતિ સાથે કરતા ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લા એક દાયકામાં ભારતના અનાજ ઉત્પાદનમાં ૧૦૦ મિલિયન ટનનો તોતિંગ વધારો નોંધાયો છે.

કૃષિ મંત્રાલયના અહેવાલો અને સત્તાવાર માહિતી અનુસાર, આ વિક્રમી ઉત્પાદન પાછળ સરકારની ખેડૂતલક્ષી નીતિઓ, સિંચાઈની સુધરેલી વ્યવસ્થા અને ખેડૂતો દ્વારા અપનાવવામાં આવેલી નવી ટેકનોલોજીનો મોટો ફાળો છે. 

ઘઉં અને ચોખા ઉપરાંત કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનમાં પણ દેશે આત્મનિર્ભરતા તરફ મજબૂત ડગલાં માંડ્યા છે. વડાપ્રધાને આ સફળતાનો શ્રેય દેશના ખૂણેખૂણે વસતા નાના અને સીમાંત ખેડૂતોને આપ્યો હતો.

નરેન્દ્રભાઈએ ઉમેર્યું હતું કે એક સમયે અનાજની અછતનો સામનો કરનાર ભારત આજે વિશ્વના અનેક દેશોની અન્ન સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તેમણે દેશના તમામ ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પણ આહ્વાન કર્યું હતું.

 

(11:32 AM IST)