News of Sunday, 30th November 2025
મોતીહારીમાં કાળમુખો અકસ્માત: અનિયંત્રિત ટ્રકે 8 બાઇકને કચડી, પાંચના કરુણ મોત!
હાઇવે ક્રોસ કરવાની રાહ જોઈ રહેલા લોકો પર ટ્રક ડિવાઇડર તોડીને ધસી ગયો; ડઝનથી વધુ ઘાયલ, ગુસ્સે ભરાયેલા લોકોએ દિલ્હી-કાઠમંડુ હાઇવે બ્લોક કર્યો.

મોતીહારી : બિહારના મોતીહારી જિલ્લામાં શનિવારે બપોરે એક અત્યંત દર્દનાક અને ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કોટવાના દીપુ વળાંક નજીક રાહદારીઓ, બાઇકર્સ અને ઇ-રિક્ષા ચાલકો હાઇવે ક્રોસ કરવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે એક ઝડપી અને અનિયંત્રિત ટ્રક અચાનક ડિવાઇડર તોડીને સીધો જ લોકોના ટોળા પર ધસી ગયો. આ ભયાનક ટક્કરમાં ઓછામાં ઓછા પાંચ લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું છે, જ્યારે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટના એટલી ઝડપી અને ભયાનક હતી કે ત્યાં હાજર લોકોને સંભાળવાનો સમય પણ ન મળ્યો. ટ્રક 8 બાઇક અને ઇ-રિક્ષાને ટક્કર મારીને સીધો લોકો પર ચડી ગયો, જેના કારણે રોડ પર અંધાધૂંધી મચી ગઈ અને ચારે તરફ મદદ માટેની ચીસો ગુંજવા લાગી. આસપાસના લોકો તરત જ દોડી આવ્યા અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા. ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક લોકોને વધુ સારવાર માટે મોતીહારીની મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
આ દર્દનાક અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને માર્ગ સુરક્ષાના અભાવને લઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો. ગુસ્સે ભરાયેલા લોકોએ તાત્કાલિક પગલાંની માંગ સાથે દિલ્હી–કાઠમંડુ હાઇવેને બ્લોક કરી દીધો, જેના કારણે ટ્રાફિક વ્યવહાર લાંબા સમય સુધી ખોરવાઈ ગયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને લોકોને સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિસ્થિતિ એટલી ઉગ્ર બની કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જથી લઈને ડીએસપી સુધીના અધિકારીઓ સાથે લોકોની તીવ્ર બોલાચાલી થઈ હતી.
પોલીસે ઘટનાસ્થળનો કબજો લઈ લીધો છે અને ટ્રક ડ્રાઇવર વિશે માહિતી એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળે છે કે ટ્રક ડ્રાઇવર ઘટના બાદ તુરંત જ ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતના સાચા કારણો જાણવા માટે યોગ્ય તપાસ શરૂ કરી છે. આ ભયાનક અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે, અને મૃતકોના પરિવારોમાં ભારે રોકકળ મચી ગઈ છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
