<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : ત્રણ રાજ્યોમાં રાફેલ-બ્રહ્મોસથી સજ્જ સૈન્ય મથક સ્થપાશે

બાંગ્લાદેશથી એક કિ.મી. દૂર બનશે ભારતનો ફૉરવર્ડ ઓપરેટિંગ બેઝ :ત્રણેય બેઝ તૈયાર થયા બાદ આસપાસના તમામ બેઝ પર સૈન્ય સાધનો, સર્વલન્સ ઉપકરણો સહિતના હથિયારો પહોંચાડવા સરળ પડશે.

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે દેશના નાગરિકોની સુરક્ષા વધારવા માટે ત્રણ રાજ્યોમાં સૈન્ય મથક બનાવવાની યોજના બનાવી હોવાની વિગતો સામે આવી છે. યોજના મુજબ આસામના ઘુબરી પાસે લાચિત બોરફુકન લશ્કરી સ્ટેશન સ્થાપવામાં આવશે, જ્યારે પશ્ચિમ બંગાળના ચોપડા અને બિહારના કિશનગંજમાં ફૉરવર્ડ ઓપરેટિંગ બેઝની સ્થાપના કરવામાં આવશે.

રિપોર્ટ મુજબ, પશ્ચિમ બંગાળના 22 કિલોમીટર પહોળા અને ચિકન નેક તરીકે જાણીતા ‘સિલિગુડી કોરિડોર’ને સંપૂર્ણ અભૈદ્ય કિલ્લો બનાવવા માંગે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ કોરિડર ઉત્તર-પૂર્વ ભારતના સાત રાજ્યો (અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા)ની જમીન સાથે જોડાયેલો છે. તેથી જ સરકારે ત્રણ સૈન્ય મથકો સ્થાપવાનો નિર્ણય કર્યો છે.

આસામના ઘુબરી પાસે લાચિત બોરફુકન લશ્કરી સ્ટેશન જ્યારે બિહારના કિશનગંજ અને પશ્ચિમ બંગાળના ચોપડામાં ફૉરવર્ડ ઓપરેટિંગ બેઝ તૈયાર થઈ રહ્યો છે. ચોપડાનો બેઝ બાંગ્લાદેશ સરહદથી માત્ર એક કિલોમીટર દૂર છે. આ ત્રણેય બેઝ તૈયાર થયા બાદ આસપાસના તમામ બેઝ પર સૈન્ય સાધનો, સર્વલન્સ ઉપકરણો સહિતના હથિયારો પહોંચાડવા સરળ પડશે.

આસામની ઉત્તર દિશામાં ભૂટાન અને દક્ષિણ-પશ્ચિમ દિશામાં બાંગ્લાદેશની સરહદ જોડાયેલી છે. બિહારની ઉત્તર દિશામાં નેપાળની સરહદ જ્યારે પશ્ચિમ બંગાળની પૂર્વ દિશામાં બાંગ્લાદેશ, ઉત્તર દિશામાં નેપાળ-ભૂટાનની સરહદ જોડાયેલી છે.

 

(10:32 PM IST)