News of Monday, 1st December 2025
દિલ્હી પછી હવે મુંબઈમાં પણ પ્રદૂષણે કાળો કેર મચાવ્યો: બાંધકામ કાર્ય બંધ કરવાના હુકમો: જીઆરએપી- ૪ લાગુ: શહેરભરમાં ફ્લાઈંગ સ્કોડ તૈનાત કરીને ૫૩ બાંધકામ સાઈટ્સનું કામ બંધ કરાવી દેવાયું: નિયમ ભંગ કરનારા સામે કડક દંડનીય કાર્યવાહી
મુંબઈના સંખ્યાબંધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) સતત ૩૦૦ની પાર જઈને 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં નોંધાયો: મઝગાંવ, મલાડ, દેવનાર અને અંધેરી જેવા વિસ્તારોમાં શ્વાસ લેવો પણ દુષ્કર

મુંબઈ: દેશની રાજધાની દિલ્હી બાદ હવે આર્થિક રાજધાની મુંબઈમાં પણ હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચતા તંત્ર હરકતમાં આવ્યું છે. મુંબઈમાં વધતા જતા વાયુ પ્રદૂષણને ડામવા માટે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ આકરા પાણીએ કાર્યવાહી શરૂ કરી છે અને શહેરમાં ’ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન' (જીઆરએપી-૪) હેઠળ કડક નિયંત્રણો લાદવાની શરૂઆત કરી દીધી છે.
મુંબઈના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) સતત ૩૦૦ ની પાર જઈને 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં નોંધાયો છે. ખાસ કરીને માઝગાંવ, મલાડ, દેવનાર અને અંધેરી જેવા વિસ્તારોમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે.
આ સ્થિતિને પહોંચી વળવા માટે બીએમસીએ સમગ્ર મુંબઈમાં જે જે વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધુ છે ત્યાં બાંધકામ પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશો આપ્યા છે. જો સમગ્ર મુંબઈનો એક્યુઆઈ સતત ૨૦૦ થી ઉપર રહેશે તો આખા શહેરમાં બાંધકામ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ચીમકી પણ તંત્ર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
સમગ્ર મુંબઈમાં 'ફ્લાઈંગ સ્કોડ' તૈનાત
નિયમોના ચુસ્ત અમલ માટે બીએમસીએ શહેરના તમામ ૨૪ વોર્ડમાં વિશેષ 'ફ્લાઈંગ સ્કોડ' (ઉડતી ટુકડીઓ) તૈનાત કરી છે.
* ટુકડીની રચના: દરેક ફ્લાઈંગ સ્કોડમાં વોર્ડના બે એન્જિનિયરો અને એક પોલીસ કર્મચારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
* હાઈ-ટેક નજર: આ ટુકડીઓને વીટીએમએસ (વ્હીકલ ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ) થી સજ્જ વાહનો આપવામાં આવ્યા છે, જેથી તેઓ સતત પેટ્રોલીંગ કરી શકે.
* કામગીરી: આ ટીમો બાંધકામ સાઈટ્સ પર જઈને ધૂળ નિયંત્રણના નિયમો, જેવા કે લીલા કપડાંથી સાઈટ ઢાંકવી, પાણીનો છંટકાવ કરવો અને એન્ટી-સ્મોગ ગનનો ઉપયોગ થાય છે કે નહીં તેની ચકાસણી કરી રહી છે.
૫૩ બાંધકામ સાઈટ્સને તાળાં મરાયા: પાલિકાની ફ્લાઈંગ સ્કોડ દ્વારા કરવામાં આવેલી તપાસમાં નિયમોનો ભંગ કરતી ૫૩ જેટલી બાંધકામ સાઈટ્સને 'સ્ટોપ વર્ક' (કામ રોકો)ની નોટિસ ફટકારી દેવામાં આવી છે. જેમાં સૌથી વધુ કાર્યવાહી પશ્ચિમ ઉપનગરો અને દક્ષિણ મુંબઈના વોર્ડમાં કરવામાં આવી છે:
* પી-નોર્થ વોર્ડ (મલાડ): ૩૧ સાઈટ્સ પર કામ બંધ કરાવાયું.
* જી-સાઉથ વોર્ડ: ૧૭ સાઈટ્સને નોટિસ.
* ઈ-વોર્ડ (માઝગાંવ): ૫ સાઈટ્સ પર કાર્યવાહી.
નિયમ ભંગ કરનાર સામે કડક દંડ અને સીલિંગ: તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે બિલ્ડરો કે કોન્ટ્રાક્ટરો ૨૮-મુદ્દાની માર્ગદર્શિકાનું પાલન નહીં કરે તેમની સાઈટ સીલ કરવામાં આવશે અને ભારે દંડ ફટકારવામાં આવશે.
આ ઉપરાંત, કચરો સળગાવવા અને ભંગારના નિકાલમાં બેદરકારી દાખવનારાઓ સામે પણ ફોજદારી રાહે પગલાં લેવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
મુંબઈના કમિશનરે જણાવ્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને જ્યાં સુધી હવાની ગુણવત્તા સુધરશે નહીં ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે.
આમ મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ પહોંચતા બીએમસીએ જીઆરએપી-૪ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરભરમાં ફ્લાઈંગ સ્કોડ તૈનાત કરીને ૫૩ બાંધકામ સાઈટ્સનું કામ બંધ કરાવી દેવાયું છે. ખાસ કરીને મઝગાંવ અને મલાડ જેવા વિસ્તારોમાં બાંધકામ પર રોક લગાવી દેવામાં આવી છે અને નિયમ ભંગ કરનારા સામે કડક દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
