News of Monday, 1st December 2025
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAના જમ્મુ કાશ્મીરમાં ૧૦ સ્થળોએ દરોડા
પુરાવા એકત્ર કરવા અને વિસ્ફોટમાં સંકળાયેલા લોકોની ભૂમિકા તપાસવાના હેતુથી મોટી કાર્યવાહી

નવી દિલ્હી, તા.૧: દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ તેજ બની છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી એ જમ્મુ અને કાશ્મીરમાં ૧૦ સ્થળોએ વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. પુલવામા, શોપિયા અને આસપાસના અનેક વિસ્તારોમાં પુરાવા એકત્રિત કરવા અને વિસ્ફોટમાં સંડોવાયેલા વ્યક્તિઓની ભૂમિકાની તપાસ કરવા માટે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ શોપિયામાં મુફ્તી ઇરફાન અહેમદ વાગેના ઘર અને પુલવામામાં ડૉ. આદિલ અહેમદ રાથેર, ડૉ. મુઝ્ઝમિલ શકીલ અને અમીર રશીદના ઘર પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સી ડિજિટલ પુરાવા, દસ્તાવેજો અને કોઈપણ ગુનાહિત સામગ્રી શોધી રહી છે. શનિવારે, દિલ્હીની એક કોર્ટે આ કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓની NIA કસ્ટડી ૧૦ દિવસ માટે લંબાવી હતી. ધરપકડ કરાયેલા ચાર આરોપીઓમાં ડૉ. મુઝ્ઝમિલ શકીલ, ડૉ. શાહીન સઈદ, મુફ્તી ઇરફાન અહેમદ વાગે અને ડૉ. આદિલ અહેમદ રાથેરનો સમાવેશ થાય છે.
કોર્ટની પરવાનગી મળ્યા બાદ, બધા આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટથી NIA મુખ્યાલય લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.
૧૦ નવેમ્બરના રોજ, દિલ્હીના લાલ કિલ્લા નજીક, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો. સાંજે ૬:૫૨ વાગ્યે થયેલા આ વિસ્ફોટમાં ૧૩ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે કારના કાટમાળ અને વિકળત મળતદેહોએ સમગ્ર વિસ્તારને સ્તબ્ધ કરી દીધો હતો.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલો આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા વ્હાઇટ-કોલર ટેરર નેટવર્ક દ્વારા કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ પહેલા ઘણા રાજ્યોમાં ધરપકડો થઈ ચૂકી હતી, અને આંતરરાજ્ય મોડ્યુલના સંકેતો બહાર આવ્યા હતા.
NIA એ અત્યાર સુધીમાં આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે. વિસ્ફોટ કરનારી કાર ડૉ. ઉમર મોહમ્મદ ચલાવી રહ્યા હતા. આ કાર આમિર રશીદ અલીના નામે નોંધાયેલી હતી, જે હવે એજન્સીની કસ્ટડીમાં છે. આરોપીઓમાં પુલવામાના ડૉ. શકીલ, અનંતનાગના ડૉ. રાધર, શોપિયાના વાગે અને લખનૌના ડૉ. શાહીન સઈદનો સમાવેશ થાય છે. આ વ્યક્તિઓએ હુમલો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આતંકવાદીને ટેકનિકલ સપોર્ટ આપનાર આરોપી જસીર બિલાલ વાની અને વિસ્ફોટ પહેલા ઉમરને આશ્રય આપનાર અને લોજિસ્ટિકલ સપોર્ટ આપનાર શોએબની અટકાયત કરવામાં આવી છે. ફત્ખ્ના ચાલુ દરોડા સ્પષ્ટપણે દર્શાવે છે કે એજન્સી આ સમગ્ર મોડ્યુલને તોડી પાડવા માટે વધુ ઝડપી કાર્યવાહી કરી રહી છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
