<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

ઢાકા કોર્ટે શેખ હસીનાને આપ્‍યો મોટો ઝટકો, જમીન કૌભાંડ કેસમાં જેલની સજા

હસીનાએ વડા પ્રધાન તરીકે સેવા આપતી વખતે ગેરકાયદેસર રીતે પ્‍લોટ હસ્‍તગત કરવા માટે રાજ્‍ય સત્તાનો દુરુપયોગ કર્યો હતો

 

નવી દિલ્‍હી, તા.૧: બાંગ્‍લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને વધુ એક મોટો ફટકો પડ્‍યો છે. ઢાકાની એક ખાસ અદાલતે હસીના, તેમની બહેન શેખ રેહાના અને રેહાનાની પુત્રી, બ્રિટિશ સાંસદ ટયૂલિપ રિઝવાના સિદ્દીકીને પૂર્વાચલ ન્‍યૂ ટાઉન પ્રોજેક્‍ટમાં કેપિટલ ડેવલપમેન્‍ટ ઓથોરિટી પ્‍લોટ ફાળવણીમાં અનિયમિતતાના કેસમાં દોષિત ઠેરવ્‍યા છે અને જેલની સજા ફટકારી છે.

કોર્ટે ચુકાદો આપ્‍યો છે કે હસીનાએ વડા પ્રધાન તરીકે સેવા આપતી વખતે ગેરકાયદેસર રીતે પ્‍લોટ હસ્‍તગત કરવા માટે રાજ્‍ય સત્તાનો દુરુપયોગ કર્યો હતો. ACC અનુસાર હસીનાએ રાજુકના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને ઢાકા સુધારણા ટ્રસ્‍ટ (જમીન ફાળવણી) નિયમો, ૧૯૬૯નું ઉલ્લંઘન કરીને, પૂર્વાચલના સેક્‍ટર ૨૭ ના ડિપ્‍લોમેટિક ઝોનમાં ગેરકાયદેસર રીતે છ પ્‍લોટ (દરેક ૧૦ કાઠા) ફાળવ્‍યા. આમાં હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોય, પુત્રી સાયમા વાઝેદ પુતુલ, બહેન રેહાના, રેહાનાના પુત્ર રિઝવાના મુજીબ સિદ્દીક (બોબી) અને પુત્રી આઝમીના સિદ્દીકનો સમાવેશ થાય છે.

ભ્રષ્ટાચાર વિરોધી પંચ એ અત્‍યાર સુધીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને કુલ ચાર ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવ્‍યા છે. આને તેમની રાજકીય કારકિર્દી અને તેમના દેશમાં પાછા ફરવા માટે એક મોટો આંચકો માનવામાં આવે છે. કોર્ટનો નિર્ણય એવા સમયે આવ્‍યો છે જ્‍યારે તેઓ પહેલાથી જ અનેક કાનૂની પડકારોનો સામનો કરી રહ્યા છે. આ કેસમાં તેમની બહેન અને ભત્રીજીની સંડોવણી પરિવાર માટે એક મોટી સમસ્‍યા છે.

ગયા અઠવાડિયે ૨૭ નવેમ્‍બરના રોજ એક અલગ ચુકાદામાં હસીનાને પૂર્વાચલ કૌભાંડ સંબંધિત ત્રણ કેસમાં ૨૧ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, જ્‍યારે તેમના પુત્ર જોય અને પુત્રી પુતુલને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

ACCએ કુલ ૬ કેસ દાખલ કર્યા હતા, જેમાં હસીના તે બધામાં મુખ્‍ય આરોપી છે. વધુમાં, વિદ્યાર્થી આંદોલન દરમિયાન માનવતા વિરુદ્ધના કથિત ગુનાઓ માટે હસીનાને મળત્‍યુદંડની સજા ફટકારવામાં આવી છે.

(3:49 PM IST)