<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

ગુજરાત, રાજસ્‍થાન અને પંજાબની સીક્રેટ જાણકારી પાકિસ્‍તાનમાં પહોંચાડતો એજન્‍ટ બોર્ડર પરથી ઝડપાયો

મોબાઈલ ફોનની શરૂઆતી તપાસમાં વિદેશી અને પાકિસ્‍તાની વોટ્‍સએપ નંબરથી સતત સંપર્કમાં રહેતો હોવાની પુષ્ટિ થઈ

શ્રીગંગાનગર તા.૨: ભારત-પાકિસ્‍તાન બોર્ડરથી અડીને આવેલા શ્રીગંગાનગર જિલ્‍લામાંથી એક મોટા જાસૂસી નેટવર્કનો ખુલાસો થયો છે. જ્‍યાં પાકિસ્‍તાની ગુપ્તચર એજન્‍સી આઈએસઆઈ માટે કામ કરી રહેલા એક એજન્‍ટની ધરપકડ કરી છે. આરોપી પ્રકાશ સિહ ઉર્ફ બાદલ, જે પંજાબના ફિરોઝપુરનો રહેવાસી છે. સોશિયલ મીડિયા દ્વારા ડાયરેક્‍ટ આઈએસઆઈના સંપર્કમાં હતો અને ભારતની સેના સાથે જોડાયેલી અતિ ગોપનીય સૂચનાઓ પાકિસ્‍તાન મોકલી રહ્યો હતો. આ ધરપકડ બોર્ડર સુરક્ષા તંત્ર અને ગુપ્તચર એજન્‍સીઓની સતર્કતાનું મોટું ઉદાહરણ માનવામાં આવે છે. આ મામલાનો ખુલાસો ત્‍યારે થયો જ્‍યારે ૨૭ નવેમ્‍બરના રોજ સૈન્‍ય ક્ષેત્ર સાધૂવાલીની પાસે એક શંકાસ્‍પદ ગતિવિધિની સૂચના મળી.

સૂચના મળતા જ બોર્ડર ઇન્‍ટેલિજન્‍સ ટીમે તરત કાર્યવાહી કરતા શંકાસ્‍પદ પ્રકાશ સિહની ધરપકડ કરી. તેના મોબાઈલ ફોનની શરુઆતી તપાસમાં વિદેશી અને પાકિસ્‍તાની વોટ્‍સએપ નંબરથી સતત સંપર્કમાં રહેતો હોવાની પુષ્ટિ થઈ. પૂછપરછમાં એવું પણ સામે આવ્‍યું કે, બાદલ રાજસ્‍થાન, પંજાબ અને ગુજરાતમાં સેનાના વાહનોની મૂવમેન્‍ટ, સૈન્‍ય એકમો, સંવેદનશીલ વિસ્‍તારોની ભૌગોલિક સ્‍થિતિ અને નવા નિર્માણ કાર્યો સંબંધિત સૂચનાઓ પોતાના પાકિસ્‍તાની હેન્‍ડલર્સને મોકલતો હતો. આ જાણકારી ભારતીય સુરક્ષા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકતી હતી. કારણ કે આ તમામ વિવરણ યુદ્ધકાલીન રણનીતિને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.

ઓપરેશન સિદૂરના સમયથી આઈએસઆઈ સાથે જોડાયેલું નેટવર્ક તપાસ દરમિયાન ખુલાસો થયો કે પ્રકાશ સિહ ઉર્ફ બાદલ કોઈ નવો એજન્‍ટ નથી, પણ તે ખૂબ જ લાંબા સમયથી આઈએસઆઈના સંપર્કમાં હતો. પૂછપરછમાં સામે આવ્‍યું કે તે ઓપરેશન સિદૂરના સમયથી પાકિસ્‍તાની હેન્‍ડલર્સ માટે કામ કરી રહ્યો હતો. શ્રીગંગાનગરમાં આવેલા જોઈન્‍ટ ઇન્‍ટરોગેશન સેન્‍ટરમાં પણ તમામ પ્રમુખ ગુપ્તચર એજન્‍સીઓ સાથે તેની લાંબી પૂછપરછ કરી. પડતાલમાં જાણવા મળ્‍યું કે સરહદી વિસ્‍તારમાં પૂલ, રેલવે લાઈન, રસ્‍તા અને સૈન્‍ય ઉપકરણોની સ્‍થિતિની નિયમિત તસવીરો અને વીડિયો મોકલતો હતો. સુરક્ષા એજન્‍સીઓ અનુસાર, આ જાણકારી દુશ્‍મન દેશ માટે રણનીતિ રીતે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

જાસૂસી ઉપરાંત બાદલ વધુ એક ગંભીર રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સામેલ હતો. તે પાકિસ્‍તાની એજન્‍ટોને ભારતીય મોબાઈલ નંબર પર આવતા ઓટીપી આપતો હતો. આ ઓટીપીની મદદથી પાકિસ્‍તાનમાં બેઠેલા હેન્‍ડલર્સ ભારતીય નંબરોથી વોટ્‍સએપ અકાઉન્‍ટ બનાવીને જાસૂસી તથા અન્‍ય ખતરો ઊભી કરનારી ગતિવિધિઓ ચલાવતા હતા. આ સમગ્ર નેટવર્કના બદલામાં તેને રૂપિયા મળતા હતા. હાલમાં એજન્‍સીઓ તેની ફંડિગ, નેટવર્ક અને સંપર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ મામલો ખૂબ જ સંવેદનશીલ છે અને આવનારા દિવસોમાં કેટલાય મોટા ખુલાસા થઈ શકે છે.

(9:55 AM IST)