News of Tuesday, 2nd December 2025
પત્નીએ પબજી ગેમ રમવાની ના પાડી તો પતિએ તેને પતાવી દીધી
મધ્ય પ્રદેશમાં મોબાઇલ ગેમ રમવાની લતને કારણે પતિએ પત્નીનો જીવ લઈ લીધો હતો નેહા નામની છોકરીનાં લગ્ન હજી છ મહિના પહેલાં જ રંજિત નામના યુવક સાથે થયાં હતાં

ભોપાલ, તા.૨: મધ્ય પ્રદેશમાં મોબાઇલ ગેમ રમવાની લતને કારણે પતિએ પત્નીનો જીવ લઈ લીધો હતો. પતિ આખો દિવસ પબજી ગેમ જ રમ્યા કરતો હોવાથી પત્ની તેને રમત મૂકીને કમાવા પર ધ્યાન આપવા માટે કહેતી હતી. નેહા નામની છોકરીનાં લગ્ન હજી છ મહિના પહેલાં જ રંજિત નામના યુવક સાથે થયાં હતાં. લગ્ન પછી તેણે પત્નીનાં પિયરિયાં પાસેથી દહેજ માગવાનું શરૂ કર્યું હતું. નેહા એ વાત માનતી નહોતી. રંજિત કંઈ કામધંધો કરતો નહોતો અને ઘરના દરેક ખર્ચ માટે પત્નીનાં પિયરિયાંઓ પાસે હાથ લંબાવવા માટે કહ્યા કરતો હતો. એક વાર રાતના સમયે બન્ને વચ્ચે આ બાબતે ખૂબ ઝઘડો થયો. નેહાએ ટોણો મારતાં કહ્યું કે મારા બાપ પાસેથી પૈસા માગવાને બદલે જાતે હાથપગ ચલાવ, આખો દિવસ મોબાઇલમાં ગેમ રમવાને બદલે જાતે કમાવાનું કયારે શરૂ કરીશ?
બસ આ વાતે રંજિતને ગુસ્સો આવી ગયો અને તેણે ત્યાં જ નેહાનું ગળું દબાવી દીધું હતું. બાજુના જ રૂમમાં બીજા પરિવારજનો હતા, પરંતુ તેમને આ હત્યાની ભનક પણ લાગી નહીં. એ પછી રંજિત ઘરનો દરવાજો બહારથી બંધ કરીને ફરાર થઈ ગયો હતો. એ પછી તેણે નેહાના ભાઈને મેસેજ કરીને પોતે નેહાને મારી નાખી હોવાનું કહ્યું હતું. પોલીસ હવે રંજિતની શોધમાં છે
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
