<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

કાશી તમિલ સંગમમ 4.0 માં મોટો સુરક્ષા ભંગ: સીએમ યોગી સ્ટેજ પર હતા ત્યારે જ 'દારૂ પીધેલો' યુવક ઘેરો તોડીને પહોંચ્યો; કમાન્ડોની સતર્કતાએ મોટી દુર્ઘટના ટાળી

પકડાયેલા યુવકનું નામ જોગીન્દર ગુપ્તા, પોલીસનો દાવો: માનસિક રીતે અસ્થિર અને સારવાર હેઠળ છે; વીઆઈપી સુરક્ષાની ગંભીર ખામી પર સવાલો

વારાણસી : વારાણસીના નમો ઘાટ ખાતે આજે યોજાયેલા કાશી તમિલ સંગમમ 4.0 કાર્યક્રમ દરમિયાન એક ગંભીર સુરક્ષા ભંગ નોંધાતા ભારે હંગામો મચી ગયો હતો. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિતના મહાનુભાવો સ્ટેજ પર હાજર હતા, ત્યારે અચાનક એક યુવાન તમામ સુરક્ષા ઘેરાને તોડીને સીધો મુખ્ય સ્ટેજ સુધી પહોંચી ગયો. જોકે, ત્યાં હાજર સતર્ક કમાન્ડોઝે તાત્કાલિક યુવાનને કાબૂમાં લીધો, જેના કારણે કોઈ અનિચ્છનીય મોટી ઘટના ટળી હતી.
સુરક્ષા વ્યવસ્થા પર સવાલો
આ ઘટના બાદ સુરક્ષા કર્મચારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. એસીપી વિદુષ સક્સેનાએ માહિતી આપી હતી કે પકડાયેલા યુવાનનું નામ જોગીન્દર ગુપ્તા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ યુવાન માનસિક રીતે અસ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે. તેના પરિવારે પણ પુષ્ટિ આપી છે કે તે અવારનવાર નશામાં રહે છે અને આવી વર્તણૂક કરે છે.
હાલમાં જોગીન્દર ગુપ્તાની પૂછપરછ ચાલુ છે. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આટલા મોટા વીઆઈપી કાર્યક્રમમાં યુવક કડક સુરક્ષા કર્મચારીઓથી બચીને મુખ્યમંત્રી સુધી પહોંચવામાં કેવી રીતે સફળ રહ્યો.
ઉલ્લેખનીય છે કે, 'ચાલો તમિલ શીખીએ' (તમિલ કરકલમ) થીમ પર આધારિત આ કાર્યક્રમમાં તમિલનાડુના 1,400 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જે ઉત્તર અને દક્ષિણ ભારતની સંસ્કૃતિઓ અને પરંપરાઓને એકસાથે લાવવાનો એક ભવ્ય પ્રયાસ હતો.

 

(8:48 PM IST)