<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

હિમેન ધર્મેન્દ્રની અસ્થિ યાત્રા: પંજાબનો પુતર ઉત્તરાખંડ પહોંચ્યો, સની-બોબી દેઓલ સહિતનો પરિવાર હરિદ્વારમાં; કાલે VIP ઘાટ પર અસ્થિ વિસર્જન થશે

89 વર્ષની વયે અવસાન પામેલા દિગ્ગજ અભિનેતાની 65 વર્ષની ભવ્ય કારકિર્દીનો અંત; વિસર્જન આજે થવાનું હતું, પરંતુ વિવિધ કારણોસર આવતીકાલ સુધી મુલતવી રખાયું

હરિદ્વાર : બોલીવુડના 'હિમેન' અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની અંતિમ યાત્રા પૂર્ણ કરવા માટે તેમના અસ્થિ ઉત્તરાખંડના હરિદ્વાર પહોંચી ગયા છે. આજે સવારે, અભિનેતાના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ તેમના સમગ્ર પરિવાર સાથે ધર્મેન્દ્રના અસ્થિ લઈને હરિદ્વારની પીલીભીત હોટેલ પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસર્જનની પ્રક્રિયા આજે થવાની હતી, પરંતુ વિવિધ કારણોસર તેને મુલતવી રાખવામાં આવી છે અને હવે તે આવતીકાલે, બુધવારના રોજ VIP ઘાટ પર વિધિવત રીતે કરવામાં આવશે.
ધર્મેન્દ્રનું આઠ દિવસ પહેલા, 24 નવેમ્બરના રોજ 89 વર્ષની વયે મુંબઈ સ્થિત નિવાસસ્થાને લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર દરમિયાન અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન અને સંજય દત્ત સહિતની અનેક ફિલ્મી હસ્તીઓ હાજર રહી હતી.
દિલીપ કુમારથી પ્રેરણા અને 65 વર્ષની કારકિર્દી
ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935 ના રોજ પંજાબના નસરાલી ગામમાં થયો હતો. તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત એક એવી ક્ષણથી થઈ જે આજે પણ યાદગાર છે. જ્યારે તેઓ માત્ર 13 વર્ષના હતા, ત્યારે તેમણે દિલીપ કુમારની ફિલ્મ "શહીદ" જોઈ. આ ફિલ્મે તેમના મન પર એટલો ઊંડો પ્રભાવ પાડ્યો કે તેમણે તરત જ હીરો બનવાનું નક્કી કર્યું.
જોકે, 19 વર્ષની ઉંમરે તેમના પિતાએ તેમના લગ્ન પ્રકાશ કૌર સાથે કરાવ્યા. પિતા બન્યા પછી પણ તેમનું અભિનયનું સપનું જીવંત રહ્યું. 1958 માં, તેમણે ફિલ્મફેર મેગેઝિનના ન્યૂ ટેલેન્ટ હન્ટમાં જીત મેળવી, જે તેમના ફિલ્મી કરિયરનો પ્રારંભિક બિંદુ બન્યો. બે વર્ષ પછી, 1960 માં, તેમની પહેલી ફિલ્મ "દિલ ભી તેરા હમ ભી તેરે" રિલીઝ થઈ. આ ફિલ્મ ભલે બહુ મોટી હિટ ન બની હોય, પરંતુ ધર્મેન્દ્રની સાદગી અને તેમના દેખાવે દર્શકોને મોહિત કરી દીધા. 65 વર્ષની લાંબી અને સફળ કારકિર્દીમાં, ધર્મેન્દ્રએ કુલ 307 ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં તેમની છેલ્લી ફિલ્મ 89 વર્ષની ઉંમરે આવેલી "એકિસ" હતી.

 

(8:51 PM IST)