<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

મુંબઈમાં ડ્રગ્સની હોમ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી ઝડપાઈ: મીરા રોડના પતિ-પત્નીની ધરપકડ, ₹2 કરોડનું હેરોઈન જપ્ત

કાંદિવલીમાં ક્રાઈમ બ્રાન્ચે બિછાવેલા છટકામાં દંપતી ફસાયું; અમદાવાદમાંથી પણ દંપતી પાસેથી ₹35.77 લાખનું મેફેડ્રોન જપ્ત થતાં ખળભળાટ

મુંબઈ : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક સેલની કાંદિવલી યુનિટે ડ્રગ હેરફેરના મોટા કૌભાંડનો પર્દાફાશ કરીને એક દંપતીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ₹2 કરોડની કિંમતનું 500 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે, જેણે શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે.

ઘરે જ ડ્રગ્સ બનાવવાનું કાવતરું

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, મીરા રોડ વિસ્તારમાં રહેતા આ પતિ-પત્નીનું નેટવર્ક અત્યંત ચોંકાવનારું હતું. આ દંપતી કથિત રીતે ઘરે જ ડ્રગ્સ બનાવતા હતા (હોમ મેન્યુફેક્ચરિંગ) અને પછી તેને મુંબઈના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરતા હતા. બાતમી મળ્યા બાદ પોલીસે કાંદિવલી વિસ્તારમાં છટકું ગોઠવીને આ મહિલા સહિત બે શંકાસ્પદોને પકડી પાડ્યા હતા.

આ દંપતી સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ બાદ, તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને વધુ તપાસ માટે ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ હવે ડ્રગ્સનો મુખ્ય સ્રોત અને તેઓ કોને સપ્લાય કરતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

અમદાવાદમાં પણ 'દંપતી' કનેક્શન

મુંબઈની જેમ જ ગુજરાતમાં પણ ડ્રગ્સ સંગ્રહ અને વિતરણમાં દંપતીની સંડોવણીનો એક સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે વાડજના અખબાર નગર સર્કલ નજીકથી કમલેશ બિશ્નોઈ અને તેની પત્ની રાજેશ્વરીની ધરપકડ કરી હતી. આ દંપતી પાસેથી ₹35.77 લાખની કિંમતનું મેફેડ્રોન (MD) જપ્ત કરવામાં આવ્યું છે. આ બંને રાજસ્થાનના રહેવાસી હોવા છતાં, અમદાવાદમાં રહીને ડ્રગ્સનું વિતરણ કરી રહ્યા હતા.

(11:46 PM IST)