ગુજરાતમાં ૫ વર્ષમાં સાયબર ક્રાઇમના ૭૦૦૦ કેસ છતાં એકેય સાબિત કરી શકાયો નથી
દર વર્ષે ઓનલાઇન ફ્રોડથી લઇ બોગસ સ્કેમ કોલ સહિતના ઠગાઇના કેસમાં ઉત્તરોત્તર વધારોઃ વર્ષોથી સાયબર ક્રાઇમ બદલ આરોપીઓની ધરપકડ કરાતી હોવા છતાં ગુજરાતમાં હજુ સુધી એકપણ કેસમાં તેમને દોષિત સુદ્ધાં ઠેરવી શકાયા નથી : સાયબર ક્રાઇમ કરતા ગુનેગારો ડેટા ચોરી પણ મોટાપાયે કરી રહ્યા છે અને સિસ્ટમ ખોરવી નાખવા સુધીના ગંભીર ગુના કરી રહ્યા છે

નવી દિલ્હી તા.૩: ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ સાયબર ફ્રોડનો ભોગ બનતા રાજ્યમાં એક છે. વર્ષ ૨૦૧૯થી ૨૦૨૩ સુધીના પાંચ વર્ષમાં સાત હજાર જેટલા બોગસ સ્કેમ કોલ, સાયબર ક્રાઇમ સહિત ઓનલાઇન ઠગાઇને લગતા ગુના રાજ્યમાં નોંધાયા છે. સાયબર ક્રાઇમ અટકાવવા સરકારના અનેક દાવા અને લોક જાગૃતિ ઝુંબેશ છતાં દર વર્ષે તેમાં સતત વધારો થઇ રહ્યો છે. આશ્વર્યની વાત એ છે કે વર્ષોથી સાયબર ક્રાઇમ બદલ આરોપીઓની ધરપકડ કરાતી હોવા છતાં ગુજરાતમાં હજુ સુધી એકપણ કેસમાં તેમને દોષિત સુદ્ધાં ઠેરવી શકાયા નથી.
સાયબર ફ્રોડમાં નાણાકીય છેતરપિંડી, મહિલાઓને હેરાનગતિ, ડિજિટલ અરેસ્ટ, કમ્પ્યૂટરમાં ચેડાં, દસ્તાવેજમાં ચેડાં, સાયબર બ્લેક મેઇલીંગ, જુગાર, કોપીરાઇટનો ભંગ, ઠગાઇ સહિત અનેક પ્રકારની ગુનાખોરીની બાબતોનો સમાવેશ થાય છે. ૨૦૧૯થી ૨૦૨૩ના વર્ષ સુધીના પાંચ વર્ષના સમયગાળામાં કમ્પ્યૂટરને લગતા સૌથી વધુ ગુના નોંધાયા હોવાની માહિતી લોકસભામાં ગૃહ મંત્રાલય દ્વારા ૨ ડિસેમ્બરે એક સવાલના જવાબમાં અપાઇ છે.
સાયરબ ક્રાઇમ કરતા ગુનેગારો ડેટા ચોરી પણ મોટાપાયે કરી રહ્યા છે અને સિસ્ટમ ખોરવી નાખવા સુધીના ગંભીર ગુના કરી રહ્યા છે. ફેક પ્રોફાઇલ બનાવીને છેતરપિડી કરવી, વોટ્સ એપ હેક કરીને પૈસા માગવાથી લઇને બેન્ક ખાતાની માહિતી મેળવી પાસવર્ડ ચોરીને નાણાકીય ઉચાપતના કિસ્સામાં પણ વધારો થઇ રહ્યો છે. આશ્વર્યની વાત એ છે કે, સાયબર ક્રાઇમ મોટી સંખ્યામાં બનતા હોવા છતાં ગુનેગારોની સજા મળવાની પ્રક્રિયા ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં પણ ખૂબ ધીમી છે.
૨૦૧૯માં ૫૩ કેસમાં ચાર્જશીટ મૂકાઇ તેમાંથી એકપણ કેસમાં ટ્રાયલ પૂર્ણ થઇ નથી કે એકપણ કેસ સાબિત કરી શકાયો નથી અને કોઇને પણ દોષિત ઠેરવી શકાયા નથી. કુલ ૨૪૨ આરોપીની ધરપકડ
૨૦૨૦માં ૨૫ કેસમાં ચાર્જશીટ મૂકાઇ તેમાંથી એકપણ કેસમાં ટ્રાયલ પૂર્ણ થઇ નથી કે એકપણ કેસ સાબિત કરી શકાયો નથી અને કોઇને પણ દોષિત ઠર્યા નથીઃ કુલ ૫૭ આરોપીની ધરપકડ
૨૦૨૧માં ૬૮ કેસમાં ચાર્જશીટ મૂકાઇ તેમાંથી એકપણ કેસમાં ટ્રાયલ પૂર્ણ થઇ નથી કે એકપણ કેસ સાબિત કરી શકાયો નથી અને કોઇને પણ દોષિત ઠેરવી શકાયા નથી.કુલ ૧૯૪ આરોપીની ધરપકડ
૨૦૨૨માં ૪૩ કેસમાં ચાર્જશીટ મૂકાઇ તેમાંથી એક કેસમાં ટ્રાયલ પૂર્ણ થઇ છે, એકપણ કેસ સાબિત કરી શકાયો નથી અને કોઇને દોષિત ઠેરવી શકાયા નથીઃ કુલ ૯૩ આરોપીની ધરપકડ
૨૦૨૩માં ૩૨ કેસમાં ચાર્જશીટ મૂકાઇ તેમાંથી એકપણ કેસમાં ટ્રાયલ પૂર્ણ થઇ નથી કે એકપણ કેસ સાબિત કરી શકાયો નથી અને કોઇને પણ દોષિત ઠેરવી શકાયા નથી, કુલ ૮૮ આરોપીની ધરપકડ.
સાયબર ક્રાઇમ
વર્ષ ગુના
૨૦૧૯ ૭૮૪
૨૦૨૦ ૧૨૮૩
૨૦૨૧ ૧૫૩૬
૨૦૨૨ ૧૪૧૭
૨૦૨૩ ૧૯૯૫









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
