<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

દિલ્હી એમસીડીની ૧૨ વોર્ડની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સૌથી વધુ ૭ બેઠકો પર વિજય મેળવ્યો: સત્તાધારી આમ આદમી પાર્ટી (આપ)ને ૩ બેઠકો: કોંગ્રેસ પાર્ટીએ ૧૦ વર્ષમાં પહેલીવાર એમસીડીમાં પોતાનું ખાતું ખોલાવી ૧ બેઠક મેળવી: ૧ બેઠક ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકના ફાળે

નવી દિલ્હી: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) ના ૧૨ ખાલી વોર્ડ માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ જોરદાર પ્રદર્શન કરીને રાજધાનીના રાજકારણમાં પોતાની પકડ મજબૂત કરી છે. કુલ ૧૨ બેઠકોમાંથી ભાજપે ૭ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે સત્તાધારી આમ આદમી પાર્ટી (આપ) માત્ર ૩ બેઠકો જ જીતી શકી છે.

૧૦ વર્ષ પછી કોંગ્રેસનું 'ખાતું' ખુલ્યું: આ પેટાચૂંટણીનું સૌથી મોટું આકર્ષણ કોંગ્રેસનું પ્રદર્શન રહ્યું છે. કોંગ્રેસે લાંબા ૧૦ વર્ષના ગાળા બાદ એમસીડીમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે અને સંગમ વિહાર-એ વોર્ડની બેઠક જીતીને રાજકીય પુનરાગમનનો સંકેત આપ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ ચૌધરીએ આ બેઠક પર વિજય મેળવ્યો છે.

ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક (એઆઈએફબી) એ ચાંદની મહેલની બેઠક જીતી લીધી છે.

ભાજપે શાલીમાર બાગ-બી, ચાંદની ચોક, દ્વારકા-બી, ગ્રેટર કૈલાશ સહિતની મહત્વની ૭ બેઠકો કબજે કરી છે. જ્યારે આપે દક્ષિણ પુરી સહિતની ૩ બેઠકો જાળવી રાખી છે.

આ પેટાચૂંટણીના પરિણામો એમસીડીના ૨૫૦ સભ્યોના ગૃહમાં તાત્કાલિક શાસન વ્યવસ્થાને અસર નહીં કરે, કારણ કે હાલમાં ગૃહ પર 'આપ' પાર્ટીનું શાસન છે. જોકે, ભાજપ આ જીત સાથે કુલ ૧૨૬ બેઠકોના બહુમતીના આંકડાની વધુ નજીક પહોંચી ગયું છે. 

આ પરિણામોને દિલ્હીના નાગરિકોના મૂડના પરીક્ષણ તરીકે જોવામાં આવે છે. પૂર્વે આ ૧૨ બેઠકોમાંથી ૯ બેઠક ભાજપ પાસે અને ૩ બેઠક 'આપ' પાસે હતી, પરંતુ ધારાસભ્ય અથવા સાંસદ તરીકે ચૂંટાવાને કારણે આ બેઠકો ખાલી થઈ હતી.

 

(10:58 AM IST)