<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો: ઈઝરાયેલ પાસેથી ૮૦૦૦ કરોડના ખર્ચે ૬ રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ ખરીદાશે

મુંબઈ: ભારતીય વાયુસેનાની વ્યૂહાત્મક ક્ષમતામાં મોટો વધારો કરવાના હેતુથી ભારતે ઈઝરાયેલ સાથે એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાને અંતિમ ઓપ આપવાની તૈયારી કરી લીધી છે. આ સોદા હેઠળ ભારત ઈઝરાયેલ પાસેથી અંદાજે ૮૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૬ અત્યાધુનિક મિડ-એર રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ ખરીદશે. આ વિમાનો હવામાં જ ઉડતા લડાકુ વિમાનોમાં ઈંધણ ભરવાની ક્ષમતા ધરાવે છે.

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ૬ નવા એરક્રાફ્ટ આવવાથી ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સની રેન્જ અને ઓપરેશનલ સમયમાં અનેકગણો વધારો થશે. આ એરક્રાફ્ટ ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સરહદે લાંબા સમય સુધી પેટ્રોલિંગ અને સ્ટ્રાઈક મિશન માટે ઉપયોગી સાબિત થશે. 

હાલમાં ભારતીય વાયુસેના પાસે રશિયન બનાવટના ઈલ્યુશિન-૭૮ રિફ્યુઅલર્સ છે, પરંતુ તેની જાળવણી મોંઘી સાબિત થઈ રહી છે. ઈઝરાયેલની ટેકનોલોજીથી સજ્જ આ નવા એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પણ મોટી વ્યૂહાત્મક સરસાઈ અપાવશે.

 

(11:45 AM IST)